મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

તપાસ એજન્સી આંધળો અને બહેરો પોપટ :યોગ્ય રીતે કેસની તપાસ કરી નથી :હૈદરાબાદ બ્લાસ્ટ કેસના ચુકાદા બાદ ઔવેસીનું નિવેદન

 

હૈદરાબાદ: 2007માં હૈદરાબાદમાં મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટ કેસમાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા કેસની તપાસ કરાઈ હતી કેસના ચુકાદા બાદ મુસ્લિમ નેતા અસાઉદ્દીન ઔવેસીએ આરોપ લગાવ્યો કે, તપાસ એજન્સી આંધળો અને બહેરો પોપટ છે અને તેણે યોગ્ય રીતે કેસની તપાસ કરી નથી

 

  હૈદરાબાદના સાંસદ એવા ઔવેસીએ કહ્યું કે કેસના મોટાભાગના સાક્ષીઓ ફરી ગયા હતા. અપેક્ષા પ્રમાણે તપાસ એજન્સીએ કેસની તપાસ સારી રીતે કરી નહિં કેમ કે તેના રાજકીય નેતાઓએ કરવા દીધી નહિં. તેમણે વધુમાં કહયું કે, કેમમાં ન્યાય મળ્યો નથી અને ફરી એકવાર ન્યાયિક વ્યવસ્થા પર સવાલ પેદા થશે. કોર્ટે જે આરોપીઓને જામીન આપ્યા તેની સામે સરકારે અપીલ પણ કરી નહોતી.

    11 વર્ષ બાદ આજે મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ફેંસલો આવ્યો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)ની વિશેષ કોર્ટે વિસ્ફોટ સાથે જોડાયેલા કેસની સુનાવણી કરી હતી. કેસમાં એનઆઈએની વિશેષ અદાલતે અસીમાનંદ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે પુરાવાના અભાવે તમામને છોડી મૂકવાનો આદેશ કર્યો છે. હૈદરાબાદમાં વર્ષ 2007માં જુમાની નમાઝ વખતે થયેલા બ્લાસ્ટમાં નવ લોકોનાં મોત થયા હતા, જ્યારે 58 લોકો ઘાયલ થયા હતા. કેસની ગંભીરતાને લઇને કોર્ટ પરિસર આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા હતા.

    18મી મે 2007ના રોજ જુમાની નમાઝ દરમિયાન હૈદરાબાદની મક્કા મસ્જિદમાં એક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત થયા હતા, જ્યારે 58 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ બાદ પોલીસ દેખાવકારોને ખસેડવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું, જેમાં પાંચ લોકોનાં મોત થયા હતા. કેસમાં 160 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.

  તપાસ બાદ કેસમાં દસ લોકોને આરોપી બનાવાયા હતા. જેમાં સ્વામી અસીમાનંદ સહિત દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા ઉર્ફે અજય તિવારી, લક્ષ્મણ દાસ મહારાજ, મોહનલાલ રતેશ્વર અને રાજેન્દ્ર ચૌધરીનો સમાવેશ થાય છે. બે આરોપી રામચંદ્ર કાલસાંગરા અને સંદીપ ડાંગે હાલ ફરાર છે. એક મુખ્ય આરોપી અને આરએસએસના કાર્યવાહક સુનીલ જોશીની તપાસ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

   અસીમાનંદને 23મી માર્ચ 2017ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અસીમાનંદને અજમેર બ્લાસ્ટ કેસમાં પહેલા છોડી મૂકવામાં આવ્યા છે. સાથે માલેગાંવ અને સમજૌતા બ્લાસ્ટમાં પણ તેમને જામીન આપી દેવામાં આવ્યા છે.

(12:00 am IST)