મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

જો બળાત્‍કારીઓ અને નાની બાળાઓને મારનારને સજા આપવાની વાત હોય તો હું જલ્‍લાદની નોકરી કરવા તૈયાર છું: આવી ઘટનાઓથી મારૂ લોહી ગરમ થઇ જાય છેઃ મહિન્‍દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્‍દ્રાએ બળાપો કાઢયો

નવી દિલ્‍હીઃ નાની બાળાઓ ઉપર થતા દુષ્‍મકર્મની ઘટનાઓ સામે દેશભરમાં રોષ ભભુકી ઉઠયો છે ત્‍યારે આ પ્રકરણમાં મહિન્‍દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્‍દ્રાએ બળાત્‍કારીઓને ફાંસીની સજા આપવા માટે મારે જલ્‍લાદ બનવુ પડે તો પણ બનવા હું તૈયાર છું તેમ જણાવીને આક્રોશ વ્‍યકત કર્યો છે.

દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ ઘટનાઓ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું કેજલ્લાદની નોકરી સૌકોઇને પસંદ નથી આવતી હોતી. પરંતુ જો બળાત્કારીઓ અને નાની બાળકીઓને મારનારને સજા આપવાની વાત હોય તો નોકરી કરવા હું તૈયાર છું. શાંત રહેવાની હું બહુ કોશિશ કરું છું પણ આપણા દેશમાં બનતી આવી ઘટનાઓને જોતાં મારું લોહી ગરમ થઇ જાય છે.”

ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થઇ રહ્યાં છે. મુંબઇ, દિલ્હી સહિત દેશના મુખ્ય શહેરોમાં સમાજના કેટલાય લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતમાં પણ સુરત રેપકેસ, ઉન્નાવ રેપ કેસ અને કઠુઆ રેપ કેસના વિરોધમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઇ હતી. જવાહર લાલ યૂનિવર્સિટી, દિલ્હી યૂનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ વિરોધ પ્રદર્શનોમાં જોડાયા છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટના કેટલાય વકીલો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.

રવિવારે પણ ઉન્નાવ અને કઠુઆ રેપ કેસના આરોપીઓને આકરી સજા આપવાની માગણી સાથે સિવિલ સોસાયટીના લોકોએ દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. મહિલા, પુરુષ, થર્ડ જેન્ડર, વિદ્યાર્થીઓ, સિનિયર સિટિજન્સ સહિતના લોકો પ્રદર્શનમાં જોડાયા છે.

(7:23 pm IST)