મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

ઉતરપ્રદેશના નાયબ મુખ્‍યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય સહિત ૭ મંત્રીઓ ક્ષોભજનક સ્‍થિતિમાં મુકાયાઃ શીખ ધર્મગુરૂ ગુરૂ નાનકજીની જન્‍મ જયંતીની ૭ મહિના પહેલા જ શીખ સમુદાયની શુભેચ્‍છા પાઠવી દીધી

લખનઉઃ ઉતરપ્રદેશના નાયબ મુખ્‍યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિત ૭ મંત્રીઓએ શીખ સમુદાયના ધર્મગુરૂ ગુરૂ નાનકજીની જન્‍મજયંતી પહેલા જ ૭ મહિના અગાઉ જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી દેતા ભારે ચર્ચા જાગી છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિત અને મંત્રીઓ રવિવારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. નાયબ મુખ્યમંત્રીએ રવિવારે તેમના ટ્વીટર એકાઉન્ટ પર ગુરુનાનકનો ફોટો પોસ્ટ કરી એક સંદેશો લખ્યો હતો." શીખો કે પ્રથમ ધર્મગુરુ, દાર્શનિક ઓર સમાજ સુધારક એવંમ શ્રેષ્ઠ સંગીતજ્ઞ ગુરુનાનક દેવ જી કી જયંતિ પર ઉન્હે કોટિ કોટિ નમન". નાયબ મુખ્યમંત્રીના ટ્વીટ પછી અન્ય મંત્રીઓએ પણ લોકોને શુભેચ્છા સંદેશ આપ્યા. મંત્રીઓમાં આશુતોષ ટંડન, સિદ્ધાર્થ નાથ સિંઘનો સમાવેશ થતો હતો. તમામ લોકોએ ગુરુનાનકની જયંતિની સાચી તારીખની ચકાસણી કર્યા વગર લોકોને શુભેચ્છા સંદેશ પાઠવી દીધા. ગુરુનાનકની જન્મ જયંતિ 23 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.

જો કે, મંત્રીઓને જ્યારે તેમની ભૂલ ધ્યાનમાં આવી એટલે તરત શુભેચ્છા સંદેશાઓ ટ્વીટર એકાઉન્ટ્સ પરથી ડિલીટ કરી નાંખ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના સરકારી કેલેન્ડરમાં પણ ગુરુનાનક જયંતિ 23 નવેમ્બરના રોજ ઉજવાય છે.

સિદ્ધાર્થ નાથ સિંઘે તેમનું ટ્વીટ ડિલીટ કર્યા પછી તેમની ભુલ માટે દોષનો ટોપલો વિકીપિડીયા પર ઢોળ્યો અને કહ્યું કે, વિકીપિડીયામાં ગુરુનાનક જયંતિ 15 એપ્રિલ દર્શાવે છે. તેમની વાતને સાબિત કરવા માટે વિકીપિડીયાની વિગત દર્શાવતો ફોટો પણ શેર કર્યો કે જેમાં નોંધ હતી કે, ગુરુનાનકનો જન્મ 15 એપ્રિલ 1469માં પાકિસ્તાનમાં થયો હતો.

(7:41 pm IST)