મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

યુધ્ધગ્રસ્ત ઇરાકમાં જીવનું જોખમ છતાં લોકો નોકરી અને સારા પગાર માટે ત્યાં જવા ભારતીય શ્રમીકો

ઇરાક ગયેલા ૩૯ની આઇએસઆઇએસ દ્વારા હત્યા કરવામાં આવી હતી તેમાંથી ૨૭ પંજાબના

ચંડીગઢ તા. ૧૬ : વધુ સારું જીવન જીવવાનું સપનું લઈને ઈરાક ગયેલા અને ત્યાંથી પાછા ફરેલા હજારો પંજાબીઓ ઈરાકમાં ભારતીય કામદારોની સામૂહિક હત્યા કરવામાં આવી હોવા છતાં હજુ પણ યુદ્ઘગ્રસ્ત ઈરાકમાં નોકરી મેળવવાની આશા સેવી રહ્યા છે અને તે પણ ગેરકાયદે માર્ગે.

ઈરાક ગયેલા જે ૩૯ શ્રમિકોની આઈએસઆઈએસ દ્વારા હત્યા કરવામાં આવી હતી તેમાંથી ૨૭ પંજાબના હતા.  ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે કે યુદ્ઘગ્રસ્ત ઈરાકમાં જીવનું જોખમ હોવા છતાં લોકો હજુ નોકરી અને સારા પગાર માટે ત્યાં જવા ઉત્સુક છે.

અનેક લોકો યોગ્ય દસ્તાવેજો વિના જ જઈ રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પંજાબમાં ગેરકાયદે ફૂટી નીકળેલા ટ્રાવેલ એજન્ટો પર અંકુશ આણવા પરવાના પદ્ઘતિનો કડક અમલ કરવાની અમે હાકલ કરી છે.

નોકરી-રોજગાર માટે અન્ય દેશમાં જવા પાછળનું મુખ્ય કારણ પંજાબમાં બેરોજગારીનું વધેલું પ્રમાણ છે એમ જણાવતાં પંજાબ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનના પ્રમુખ કુલજીતસિંહે કહ્યું હતું કે આ લોકો ગેરકાયદે ટ્રાવેલ એજન્ટ મારફતે જવાનો પ્રયાસ કરે છે અને ફસાઈ જાય છે.

લોકોને ઈરાક લઈ જવામાં મદદ કરતા ગેરકાયદે ટ્રાવેલ એજન્ટનો કોઈ ચોક્કસ આંકડો ઉપલબ્ધ ન હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ટ્રાવેલ ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે ગેરકાયદે ટ્રાવેલ એજન્ટોની સંખ્યા હજારોમાં છે.

યુદ્ઘગ્રસ્ત ઈરાકમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓને હજારોની સંખ્યામાં મજૂરોની જરૂર પડે છે.

આ મજૂરોને દુબઈમાં મળતા માસિક રૂ.૨૨૦૦૦ના પગારની સરખામણીએ ઈરાકમાં માસિક રૂ.૫૦૦૦૦થી ૬૫૦૦૦નો પગાર મળે છે.

આમાં માત્ર ટ્રાવેલ એજન્ટોનો જ દો, નથી, પરંતુ ઈરાકમાં જીવનું જોખમ હોવાનું જાણતા હોવા છતાં ત્યાં જવાની ઉત્સુકતા દર્શાવતા લોકો પણ એટલા જ જવાબદાર છે, એમ તેમણે કહ્યું હતું.(૨૧.૭)

 

(11:40 am IST)