મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

૨૩મીથી રાહુલ દ્વારા 'બંધારણ બચાવો અભિયાન'

દલિતો, અનુસૂચિત જાતિના મતદારોને આકર્ષવા પ્રયાસ કરાશે

નવી દિલ્હી તા. ૧૬ : કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ૨૩મી એપ્રિલથી દેશભરમાં 'બંધારણ બચાવ અભિયાન' શરૂ કરાવશે. કોંગ્રેસ દ્વારા દલિતોને આકર્ષવા માટે આ અભિયાન હાથ ધરાઇ રહ્યું હોવાનું કહેવાય છે.

કોંગ્રેસના હાલના અને ભૂતપૂર્વ સાંસદો, વિધાનસભ્યો, જિલ્લા પરિષદ, નગરપાલિકા, પંચાયત સમિતિના હોદ્દેદારો સહિત પક્ષના કાર્યકરો આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેશે. કોંગ્રેસના હોદ્દેદારો ઉપરાંત પ્રાદેશિક એકમોના અધિકારીઓ, યુવા, મહિલા અને સેવાદળ પાંખના કાર્યકરો અહીંના તાલકટોરા સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ભાગ લેશે.કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ અને આ કાર્યક્રમના આયોજકોમાંના એક નીતિન રાઉતે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે રાજધાનીમાં આ કાર્યક્રમમાં ભાગ લેવા આવનારા નેતાઓ અને હોદ્દેદારો દેશભરનાં રાજયોમાં આ કાર્યક્રમને વેગ આપવા કાર્ય કરશે.

રાઉતે આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદીના શાસનમાં બંધારણ અને દલિતો પર સતત હુમલા થતાં રહ્યા છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આવી પરિસ્થિતિ નહોતી. દેશમાં દલિત મતદારોની ટકાવારી અંદાજે ૧૭ ટકા છે અને સંસદની ૮૪ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત રખાઇ છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને ૨૦૧૪ની ચૂંટણીમાં આમાંથી પચાસ ટકા બેઠક મળી હતી. રાઉતે જણાવ્યું હતું કે અમારો પક્ષ આગામી સામાન્ય ચૂંટણીમાં પોતાનો અગાઉનો દેખાવ સુધારવા બનતા દરેક પ્રયાસ કરશે.

કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે અમે દલિત કોમ માટે વિવિધ કાર્ય કરવા કટિબદ્ઘ છીએ.(૨૧.૯)

(12:05 pm IST)