મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

સેનાના કમાન્ડરોની મિટિંગ કાલથી : ચીન પર ચર્ચા થશે

પાકિસ્તાન અને ચીનના પડકારોના મુદ્દા છવાશે : મિટિંગનું નેતૃત્વ સેના પ્રમુખ જનરલ બિપીન રાવત કરશે

નવીદિલ્હી, તા. ૧૫ :સેનાના કમાન્ડરોની છ દિવસની કોન્ફરન્સ આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ કોન્ફરન્સમાં ચીન અને પાકિસ્તાન ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સંમેલનમાં ક્ષેત્રિય સુરક્ષા માળખાની સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ સાથે જોડાયેલા મુદ્દા ઉપર પણ ચર્ચા થશે. દેશની સામે રહેલા મુખ્ય પડકારો ઉપર ચર્ચા કરવામાં આવશે. ભૂમિ સેનાના અધિકારીઓનું કહેવું છે કે, સંમેલનનું નેતૃત્વ સેનાના પ્રમુખ જનરલ બિપીન રાવત કરશે. તેઓ અગ્રિમ મોરચા પર નિર્માણ સાથે જોડાયેલા વિષય ઉપર પણ ચર્ચા વિચારણા કરશે. ચીન સાથે જોડાયેલી સરહદ ઉપર મૂળભૂત માળખાના વિકાસની ગતિના મુદ્દે પણ ચર્ચા કરશે. ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર સ્થિતિના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભૂમિ સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે કહ્યું છે કે, જે મુખ્ય મુદ્દા પર ચર્ચા થનાર છે તેમાં ભવિષ્યમાં સુરક્ષા ખતરાઓને ઘટાડવા અને સંભવિત દુશ્મનની સામે યુદ્ધક્ષમતા વધારવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થશે જેમાં ઉત્તરીય સરહદ પર ક્ષમતા વધારવા માટે મૂળભૂત માળખા, વ્યૂહાત્મક રેલવે લાઈનની સમીક્ષા, વિસ્ફોટકોની જરૂરીયાતનો સમાવેશ થાય છે. બેઠકમાં મુખ્યરીતે ભાર ચીન સાથે જોડાયેલી આશરે ૪૦૦૦ કિલોમીટર લાંબી સરહદ ઉપર ભૂમિ સેનાની સંપૂર્ણ સંચાલન તૈયારીઓની સમીક્ષાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ડોકલામમાં ૭૩ દિવસ સુધી ભારત અને ચીનના સૈનિકો આમને સામને રહ્યા હતા. ભારતે ડોકલામ ગતિરોધ બાદ ચીન સાથે જોડાયેલી સરહદ ઉપર સૈનિકો તૈનાત કરી દીધા છે. પેટ્રોલિંગની પ્રવૃત્તિ પણ વધારી દીધી છે. કર્નલ આનંદે કહ્યું છે કે, બીઆરઓ દ્વારા અમલી કરવામાં આવી રહેલી યોજનાઓના મુદ્દા ઉપર પણ ચર્ચા થશે.

(12:00 am IST)