મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

જો અયોધ્યામાં રામ મંદિર ફરી ન બનાવવામાં આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળીયા કપાઇ જશે : મોહન ભાગવતજી

તે માત્ર મંદિર ન હતું પરંતુ આપણી ઓળખનું પ્રતિક હતું : ભારતમાં મુસ્લિમ સમુદાયે રામ મંદિર તોડ્યું નથી

મુંબઈ :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે જો અયોધ્યામાં રામ મંદિર ફરી બનાવવામાં ન આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળીયા કપાઇ જશે. ભાગવતે પાલઘર જિલ્લાના દહાનૂમાં વિરાટ હિંદુ સંમેલનને સંબોધન કરતા આ ટિપ્પણી કરી હતી. 
   આરએસએસ પ્રમુખે એમ પણ કહ્યું હતું કે  ભારતમાં મુસ્લિમ સમદાયે રામ મંદિર તોડ્યું નથી. ભારતીય નાગરિકો આમ ન કરી શકે. ભારતીયોનું મનોબળ તોડવા માટે વિદેશી તાકાતોએ મંદિર તોડ્યું હતું. તેમણે કહ્યું, પરંતુ આજે આપણી આઝાદ છીએ. આપણે તેને ફરી બનાવવાનો અધિકાર છે જેને નષ્ટ કરવામાં આવ્યું હતું, કારણ કે તે માત્ર મંદિર ન હતું પરંતુ આપણી ઓળખનું પ્રતિક હતું. 
   ભાગવતે કહ્યું, જો અયોધ્યામાં રામ મંદિર ફરી ન બનાવવામાં આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળીયા કપાઇ જશે. તેમાં કોઈ શંકા નથી મંદિર ત્યાં બનાવવામાં આવશે, જે પહેલા હતું. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે. 
    આરએસએસ પ્રમુખે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા તેને હાલમાં દેશના ઘણા ભાગમાં થયેલી જાતિગત હિંસા માટે જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું, જેની દુકાનો બંધ થઈ ગઈ છે તે લોકો હવે જાતિગત મુદ્દા પર લડવા માટે ભડકાવી રહ્યાં છે. 
     અત્રે ઉલ્લેખનીય છે કે  મોહન ભાગવત મંદિર નિર્માણ લઈને ગમે ત્યારે નિવેદન આપતા રહે છે. આ પહેલા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના મઉસહાનિયામાં એક સભાને સંબોધિત કરતા ભાગવતે કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ માત્ર ઈચ્છા નહીં, પરંતુ અમારો સંકલ્પ છે. સભાને સંબોધિક કરતા તેમણે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ કરાવનારા લોકોને કશું થશે નહીં. 

(12:00 am IST)