મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

ફિઝિક્સમાં 5 ટકા,કેમસ્ટ્રીમાં 10 ટકા અને બાયોલોજીમાં 20 ટકા હશે તો પણ હવે મેડીકલમાં સીટ મળી જાય છે

NEETના પર્સેંટાઈલ સિસ્ટમને કારણે ડોક્ટર બનવાની છેલ્લા બે વર્ષથી તક વધી

નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રંસ ટેસ્ટ (NEET)માં ફિઝિક્સમાં માત્ર 5 ટકા અને કેમેસ્ટ્રીમાં 10 ટકાથી ઓછા અને બાયોલોજીમાં 20 ટકા મેળવનારા વિદ્યાર્થીઓને મેડિકલમાં સીટ મળી જાય છે છેલ્લા બે વર્ષોમાં NEETની પર્સેંટાઈલ સિસ્ટમને કારણે આ શક્ય બન્યું છે  આ વખતે પણ 20 ટકાથી ઓછા લાવનારા વિદ્યાર્થીઓને મેડિકલ સીટ મળી શકે છે.

 

   2016માં NEET ફરજિયાત કરતાં પહેલા જનરલ કેટેગરી માટે કટ-ઑફ 50 ટકા અને અનામત વર્ગ માટે 40 ટકા હતું. 2016 પછી કટ-ઑફ 50 અને 40 પર્સેંટાઈલ કરી દેવાયું છે, જેના પગલે NEETમાં 18-20 ટકા લાવનારા વિદ્યાર્થીઓેને મેડિકલ કોલેજોમાં એડમિશન સરળતાથી મળી જાય છે.

   2015માં જનરલ કેટગરીને 50 ટકા લાવવાના રહેતા મતલબ કે 720 માર્કની પરીક્ષામાંથી 360 માર્ક્સ મેળવવા પડતા. જ્યારે 2016માં માત્ર 50 પર્સેંટાઈલ લાવવાના હતા મતલબ કે 720માંથી 145 માર્ક્સ લાવવાના રહેતા જે કુલ માર્કના માત્ર 20 ટકા છે. આ જ પ્રમાણે રિઝર્વેશન કેટેગરીના વિદ્યાર્થીઓને 40 પર્સેંટાઈલ લાવવાના હતા મતલબ કે 720માંથી 118 માર્ક્સ (16.3 ટકા) મેળવવાથી મેડિકલ સીટ મળી જાય. આ જ પ્રમાણે 2017માં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 131 માર્ક્સ (18.3 ટકા) અને અનામત વર્ગને 107 માર્ક્સ (14.8 ટકા)ની જરૂર પડી.

આ વર્ષે આવતા મહિને NEETની પરીક્ષા યોજાશે, જેમાં પર્સેંટાઈલની સિસ્ટમ હશે. આ રીતે 20 ટકાથી ઓછા માર્ક્સ લાવવાળા પરીક્ષાર્થીઓ પણ MBBS કોર્સમાં એડમિશન લઈ શકશે. પર્સેંટાઈલ વિદ્યાર્થીઓના માર્ક્સ પર નહીં પણ વિદ્યાર્થીઓના પ્રમાણ પર આધાર રાખે છે. 50 પર્સેંટાઈલનો મતલબ થયો કે નીચેથી સૌથી ઓછા ગુણ મેળવનારા અડધા વિદ્યાર્થીઓ        સિવાયના બાકીના વિદ્યાર્થીઓ. એ જ પ્રમાણે 90 પર્સેંટાઈલનો મતલબ થયો કે નીચેથી સૌથી ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓ. 90 પર્સેંટાઈલ મેળવવાનો અર્થ 90 ટકા મેળવવા નથી થતો.

પર્સેંટાઈલ ફક્ત ઓછા માર્ક્સ લાવવાથી પણ સારો સ્કોર આપે છે એવું નથી, પણ સારી મેડિકલ કોલેજોમાં એડમિશન પણ અપાવે છે. આના કારણે માર્ક્સ માટેની રેસ પૂરી થઈ કારણકે તમારે ફક્ત બાકી પરીક્ષાર્થીઓ કરતાં વધારે પર્સેંટાઈલ લાવવાના છે. ઉદાહરણ તરીકે, જો 300 માર્ક્સની પરીક્ષામાં 70 માર્ક્સ મેળવ્યા અને બાકીના વિદ્યાર્થીઓને 60 કે તેનાથી ઓછા માર્ક્સ છે તો તમારો પર્સેંટાઈલ બાકી વિદ્યાર્થીઓ કરતાં વધારે છે. ગયા બે વર્ષમાં 18-20 પર્સેંટાઈલ લાવનાર વિદ્યાર્થીઓને પણ મેડિકલ કોલેજોમાં એડમિશન મળ્યા એટલે આ વર્ષે પણ આ અંક જળવાઈ રહેશે તેવું મનાય છે.

(7:10 pm IST)