મુખ્ય સમાચાર
News of Friday, 17th March 2023

લગ્ન બાદ પત્‍નિને આવી ગયા દાઢી-મૂંછઃ પતિએ આપ્‍યા છૂટાછેડા

તેણે પોતાના નબળાઈને તાકાત બનાવી દીધી અને એક નવી ઓળખ અને સ્‍ટેટસ સ્‍થાપિત કર્યું

ચંદીગઢ, તા.૧૭: આપણા સમાજમાં લોકોને તેમના નામ, પદ, પ્રતિષ્ઠા, ધન, કાબેલિયતની સાથે સાથે તેમના લૂક્‍સ માટે પણ માપવામાં આવે છે. જો કે અનેક લોકો એવા પણ છે જે બીજાને તેમના સ્‍વભાવથી નહીં પરંતુ તેમનો ચહેરો જોઈને જજ કરે છે. આવા લોકો બીજા વિશે અગાઉથી જ ધારણા બાંધી લે છે કે તે વ્‍યક્‍તિ કેવી હશે. આ ચક્કરમાં કેટલાક સંબંધોનો કરુણ અંત પણ આવી જતો હોય છે. આવું જ કઈક મનદીપ કૌર સાથે થયું જેમના જીવનમાં આવેલા એક ફેરફારે ઉથલપાથલ મચાવી દીધી. આમ છતાં આ સમસ્‍યા સામે નતમસ્‍તક થવાની જગ્‍યાએ તેમણે આગળ વધવાનું પસંદ કર્યું.

તસવીરમાં જોવા મળી રહેલ વ્‍યક્‍તિ કોઈ પંજાબી હટ્ટાકટ્ટા યુવકની નથી પરંતુ એક મહિલાની છે જેમનું નામ મનદીપ કૌર છે. જેમની કહાની તમને વિચારતા કરી મૂકશે. મૂળ પંજાબના રહીશ મનદીપ કૌરને તેમના પતિએ એટલા માટે ડિવોર્સ આપી દીધા કારણ કે તેમના ચહેરા પર દાઢી અને મૂંછ આવી ગયા હતા. જો કે આ ફેરફાર બાદ તેમના જીવનમાં પણ અનેક ઉથલપાથલ મચી ગઈ. પણ આમ છતાં તેમણે પોતાના આ રૂપને સ્‍વીકારી લીધુ. આજે મનદીપ પોતાની આ નવી ઓળખ પર શર્મિદાં થવાની જગ્‍યાએ ગર્વ મહેસૂસ કરે છે.

મનદીપ પોતાના પરિવાર સાથે એકદમ ખુશ છે. પૂરા સન્‍માન સાથે જીવન પસાર કરે છે. નવા આત્‍મવિશ્વાસથી ભરેલ મનદીપે એ પણ જણાવ્‍યું કે તેણે કઈ રીતે પોતાની વધેલી દાઢીને મૂંડાવવાની ના પાડી દીધી હતી. તેને જોઈને કોઈ કહી ન શકે કે આ મહિલા હશે. જ્‍યારે તે વાત કરવાનું શરૂ કરે ત્‍યારે ખબર પડે કે તે મહિલા છે. હવે તે પોતાના ભાઈઓ સાથે ખેતીનું કામ સંભાળે છે. પોતાનું જીવન ખુલીને જીવે છે.

ડેઈલી મેઈલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૨માં મનદીપના લગ્ન થયા હતા. થોડા વર્ષ સુધી તો તે એકદમ ખુશહાલ લગ્નજીવન જીવતી રહી પરંતુ મુશ્‍કેલીઓ ત્‍યારે શરૂ થઈ જ્‍યારે તેને દાઢી મૂંછ આવી ગયા. આ ઘટના બાદ મનદીપના પતિએ ડિવોર્સ લઈ લીધા અને મનદીપ ડિપ્રેશનમાં જતી રહી. દુખી મનદીપ જોકે તૂટવાની જગ્‍યાએ ગુરુદ્વારામાં જવાનું શરૂ કરી દીધુ.

ગુરુદ્વારામાં જઈને તેને મનની શાંતિ મળી અને તણાવ દૂર થયો તથા તેમણે પોતાના શરીરને જેવું છે તેવું જ સ્‍વીકારવાની પ્રેરણા મળી. ત્‍યારબાદ તેણે પોતાના ચહેરાના વાળને હટાવવાનું બંધ કરી દીધુ અને માથા પર પાઘડી પહેરવા લાગી. આજે તે એકદમ નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. મનદીપ આજે બુલેટ પણ ચલાવે છે. તે ખુશ છે કે તેણે પોતાના નબળાઈને તાકાત બનાવી દીધી અને એક નવી ઓળખ અને સ્‍ટેટસ સ્‍થાપિત કર્યું

(10:25 am IST)