મુખ્ય સમાચાર
News of Saturday, 17th March 2018

વર્લ્ડ ટ્રેડ બેઠકમાં ભાગ નહીં લેવાનો પાકિસ્તાનનો નિર્ણય

રાજદ્ધારીઓને લઇને વિવાદ વચ્ચે નિર્ણય કરાયોઃ ભારતે ગયા મહિનામાં પાકિસ્તાનના વાણિજ્ય પ્રધાનને બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યુ : પાકનુ જિદ્દી વલણ

નવી દિલ્હી,તા. ૧૭: ભારતમાં તેના રાજદ્ધારી અધિકારીઓને કથિત રીતે હેરાન કરવા સામેના વિરોધમાં પાકિસ્તાને આગામી સપ્તાહમાં નવી દિલ્હી ખાતે યોજાનાર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની બેઠકમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. ભારેત ગયા મહિને આ બેઠકમાં હાજરી આપવા માટે પાકિસ્તાનના વાણિજ્ય મંત્રી પરવેઝ મલિકને આમંત્રણ આપ્યું હતું. આ બેઠક નવી દિલ્હીમાં ૧૯મી માર્ચના દિવસે શરૂ થશે અને ૨૦ સુધી ચાલશે. પાકિસ્તાને પહેલા આ બેઠકમાં હાજરી આપવા માટે તૈયારી દર્શાવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. વિદેશ મંત્રાલયના સુત્રોએ કહ્યું છે કે, રાજદ્ધારીઓને પરિવારના સભ્યોને વારંવાર હેરાન કરવાના બનાવના કારણે સ્થિતિ બદલાઈ રહી છે. આ જ કારણસર બેઠકમાં ભાગ નહી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે, વર્તમાન સ્થિતિમાં ભારતમાં અમારા વાણિજ્ય મંત્રીને મોકલવામાં આવશે નહીં. ભારતે આ અંગે જાણ કરી દેવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ભારતે અંકુશ રેખા પર યુદ્ધ વિરામના ભંગ મારફતે નિયમોનો ભંગ કરવાનો બંધ કરવું જોઈએ. અંકુશ રેખા પર સ્થિતિ વિકટ બનેલી છે. નાગરિકોના મોત થઈ રહ્યા છે. આ મિટિંગમાં અમેરિકા, ચીન, પાકિસ્તાન સહિતના ૫૦થી વધુ દેશોના વેપારી મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાને હવે ઇનકાર કર્યો છે. આ બેઠકમાં કૃષિ અને સર્વિસ સાથે સંબંધિત મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. હાલમાં પાકિસ્તાને પોતાના હાઈ કમિશ્નરને નવી દિલ્હી મોકલવાની તૈયારી દર્શાવી નથી. 

(9:55 pm IST)