મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

હરિદ્વારમાં ૧ થી ૩૦ એપ્રિલ સુધી કુંભમેળો યોજાશે

નવી દિલ્હી,તા. ૧૭: કોવિડ -૧૯ મહામારીને કારણે આ વર્ષે જાન્યુઆરીને બદલે એપ્રિલમાં હરિદ્વારમાં કુંભ -મેળો૨૦૨૧ યોજાશે. એવા પ્રયાસો થતા હતા કે કુંભની સતાવાર જાહેરાત માર્ચ મહિનામાં જાહેર થઇ જાય અને મહાશિવરાત્રીનું સ્નાન યથાવત સમયે થાય.

ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી ઓમ પ્રકાશે જાહેર કરેલા હુકમોમાં જણાવાયું છે કે હરિદ્વારમાં કુંભ મેળો ૧ થી ૩૦ એપ્રિલ વચ્ચે યોજાશે. આ સમય દરમિયાન કેન્દ્રની કોવિડ એસ.ઓ.પી લાગુ રહેશે કે કોઇ બીજા નિયમો જાહેર થશે તે હવે પછી જાણવા મળશે.

અખિલ ભારતીય અખાડા પરિષદના મહંતશ્રી હરિગિરિ સહિતના સાધુ સંતોએ કોરોનાના પ્રકોપને લીધે લેવાયેલા નિર્ણયને આવકારતા કહેલ કે મનુષ્યનું જીવન સહુ પ્રથમ પ્રાથમિકતા છે. આ અંગે સરકાર જે નિર્ણય લ્યે તે માન્ય રહેશે. અદાલતોમાં આ બાબતે અનેક અરજીઓ થયેલ છે.

કોરોના સંક્રમણને નજર સમક્ષ રાખી સરકારના નિર્ણયોને આવકારવામાં આવશે. તેવું લગભગ સહુ ધાર્મિક આગેવાનોનું કહેવું છે.

(10:03 am IST)