મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

શોર્ટ કટ, સાંકડો રસ્તો અને ઓવર ટેકીંગે ૪૭ જીવ લીધા

૩ ડઝનની કેપેસીટીવાળી બસમાં ૫ ડઝન મુસાફર ઠાંસી ઠાંસીને ભર્યા'તા મોટાભાગના પરીક્ષા દેવા જતા હતા : ૧૭ વર્ષની શિવરાની અને તેનો ભાઇ રામપ્રસાદ નહેરમાં કૂદી પડ્યા અને ૭ના જીવ બચાવ્યા : નરેન્દ્રભાઇએ ૨ લાખ, શિવરાજે ૫ લાખ જાહેર કર્યા

ભોપાલ,તા. ૧૭: મધ્યપ્રદેશના 'સીધી' ખાતેની દુર્ઘટનામાં લગભગ ૫૦ મુસાફરોના મોત થયા છે. બસ સાથે ૨૦ ફુટ ઉંડી નહેરમાં ખાબેલ આ બસમાં ૭ મુસાફરો બચવા માટે બડભાગી બન્યા હતા. હજુ પાંચનો પતો નથી. ૩૨ સીટની કેપેસીટીવાળી બસમાં ૬૦ થી વધુ મુસાફરો ઠાંસી ઠાંસીને ભર્યા હતા.

શોર્ટ કટ પસંદ કરવાને લીધે સાંકડા રસ્તામાંથી ઓવર ટેકીંગ કરવાનો અને ખોટી રીતે ઓવર ટેકીંગ કરવાને કારણે બસ ૨૦ ફૂટ ઉંડી નહેરમાં ખાબકી હોવાનું તારણ નિકળે છે.

આ મીની બસનો ડ્રાઇવર બસનો દરવાજો ખોલી કૂદકો મારી જીવ બચાવી નાસી જવામાં સફળ રહેલ.

બસ બેફામ સ્પીડે ભગાવેલ અને કાબૂ ગુમાવતા બાણસાગર નહેરમાં ખાબકી હતી.

'રેવા'ના આઇજીપી ઉમેશ જોગાએ કહેલ કે નહેરમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી બસને બહાર કાઢવામાં ૩ કલાક લાગી હતી. ૨૪ પુરૂષ, ૨૧ મહિલા અને ૨ બાળકોના શબ મળી  આવ્યા છે. આમાંથી મોટાભાગના સતના અને રીવામાં સરકારી નોકરી મેળવવા પરીક્ષા આપવા જઇ રહેલા ઉમેદવારો હતા.

એસપી પંકજ કુમાવતે કહ્યુ કે પ્રાથમિક તપાસમાં જણાયું છે કે છુડહા ઘાટીમાં  જામ હોવાથી ડ્રાઇવરે શોર્ટ કટ રૂટ અપનાવેલ અને સરકારી નોકરી માટેની પરીક્ષામાં પહોંચવાનું મોડુ થતુ હોય પરીક્ષાર્થીઓ બસ ડ્રાઇવરને સ્પીડમાં બસ ચલાવવા વારંવાર કહી રહ્યા હતા આ બધા વચ્ચે ડ્રાઇવરે બસ ઉપર કાબૂ ગુમાવેલ અને બસ નહેરમાં ખાબકી હતી.

નહેર પાસે રહેતી ૧૭ વર્ષની શિવરાની લોનિયા નામની યુવતી અને તેના ભાઇ રામપ્રસાદે ઓછામાં ઓછા ૭ મુસાફરોના જીવ બચાવી નહેરમાંથી બહાર કાઢ્યા હતા. લોનિયાએ કહેલ કે બસની સ્પીડ ખૂબ હતી. ડ્રાઇવરે કાબૂ ગૂમાવી દીધાનું લાગેલ. બસ નહેરમાં ખાબકી તે સાથે અમે ભાઇ-બહેન પણ કૂદી પડેલ અને બસમાંથી બહાર નિકળી શકેલ. ૭ને બચાવી શકેલ હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દુર્ઘટના અંગે ઉંડો શોક દર્શાવી મૃતકોના પરીવારજનોને ૨-૨ લાખની સહાય જાહેર કરેલ જયારે મ.પ્ર.ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ૫-૫ લાખ વળતર આપવા જાહેરાત કરી છે.

(10:02 am IST)