મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

પોતાના જુનિયર અધિકારી સાથે ફલર્ટ કરવાનું, ન્યાયાધીશ માટે ઉચિત આચરણ નથી : સુપ્રીમ કોર્ટ

કોર્ટ સમક્ષ વ્હોટ્સએપ મેસેજ રજુ થયા : ચીફ જસ્ટીસે કહ્યુ આ મેસેજો અપમાનજનક -અનુચિત છે.. : હાઇકોર્ટ પાસે ખાતાકીય તપાસના આદેશ આપવાની સત્તા છે : પૂર્વ ન્યાયાધીશને તપાસનો સામનો કરવા કહ્યું : સુનાવણી સપ્તાહ પછી

નવી દિલ્હી,તા. ૧૭: સુપ્રિમ કોર્ટે મધ્યપ્રદેશ હાઇકોર્ટના હુકમો વિરૂધ્ધ એક નિવૃત ડીસ્ટ્રીકટ જજની અપીલ ઉપર સુનાવણી હાથ ધરતા કહ્યું હતુ કે પોતાના જુનિયર અધિકારી સાથે 'ફલર્ટ' કરવાનું ન્યાયાધીશ માટે સ્વિકારી શકાય તેવુ યોગ્ય આચરણ નથી જ.

હાઇકોર્ટ એક જુનિયર કાનૂની અધિકારીના યૌન ઉત્પીડનના આરોપો ઉપર પૂર્વ જીલ્લા ન્યાયાધીશ વિરૂધ્ધ ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા.

સુપ્રિમ કોર્ટે જીલ્લા ન્યાયાધીશ વકીલની રજુઆત ધ્યાને લીધી હતી જેમાં કહેવાયેલ કે આ યૌન ઉત્પીડનના આરોપ મુકવાનું ત્યારે શરૂ થયેલ જ્યારે તેમના અસીલની હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી અંગેની બાબત વિચારણા હેઠળ હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શરદ બોબડેની અધ્યક્ષતામાં જસ્ટીસ એ.એસ. બોપન્ના અને જસ્ટીસ વી.રામ સુબ્રમણ્યમની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી થઇ હતી.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતુ કે આ પ્રકારના કેસોમાં અનેક પ્રકારના આરોપો લગાવાયા છે. સાથે જ કહ્યુ કે અમારી સમક્ષ જે કેસ આવ્યો છે એ એવો છે કે શું હાઇકોર્ટ પાસે ખાતાકીય તપાસ માટેના હુકમો આપવાની સત્તા છે ખરી ? સુપ્રીમ કોર્ર્ટની બેન્ચે હાઇકોર્ટના રજીસ્ટ્રારના વકીલ દ્વારા સંદર્ભિત પૂર્વ કાનૂની અધિકારીના વ્હોટસએપ મેસેજો ધ્યાને લીધેલ અને કહેલ કે તે અપમાનજન હતા.

સુપ્રીમે કહ્યુ કે જુનિયર અધિકારી સાથે ફલર્ટ કરવાનું કોઇ પણ ન્યાયાધીશ માટે સ્વિકાર્ય આચરણ નથી. સાથે જ કહ્યુ કે આવા કૃત્યો માટે મંજૂરી આપવામાં આવશે તો કાનૂની કાર્યવાહીનો માહોલ નહીં જળવાય.

સુપ્રિમ કોર્ટે આ રસપ્રદ કેસમાં એવુ પણ કહેલ કે તેમના કેટલાક વ્હોટસએપ મેસેજ અમને થોડા અપમાનજનક અને અનુચિત લાગ્યા છે.

સુપ્રીમે એવું સુચન કર્યું હતુ કે મધ્યપ્રદેશ હાઇકોર્ટના આ પૂર્વ ન્યાયાધીશે હાઇકોર્ટના હુકમો વિરૂધ્ધ કરેલ પોતાની અપીલ પાછી ખેંચી લેવી જોઇએ. અને તેમની સામેની તપાસનો સામનો કરવો જોઇએ.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસશ્રી બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ જજોજી આ બેન્ચે કહેલ કે આ કેસમાં તેઓ આગળ સુનાવણી કરવા માગતા નથી અને હાઇકોર્ટની પાસે ખાતાકીય તપાસના હુકમો આપવાનો પુરો અધિકારી છે તથા પૂર્વ ન્યાયાધીશે તેનો સામનો કરવો જોઇએ.

પૂર્વ ન્યાયાધીશ તરફથી હાજર રહેલ સીનીયર કાઉન્સીલર આર.બાલા સુબ્રમણ્યમે કહ્યુ કે મહિલા અધિકારીએ જાતીય સતામણી અટકાવતા કાયદા હેઠળ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. એટલે હાઇકોર્ટ દ્વારા ડીસીપ્લીનરી કાર્યવાહી કરવી જોઇએ નહિ.

ત્યારે સુપ્રીમ કોર્ટ કહેલ કે એવુ બની શકે કે લોકલાજને કારણે ફરિયાદીએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હશે. પરંતુ ખાતાકીય તપાસ શરૂ કરવા માટે હાઇકોર્ટના રસ્તામાં કોઇ અડચણ નથી કરી શકે છે.

પૂર્વ ન્યાયાધીશના અનુરોધ ઉપર સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી એક સપ્તાહ પછી રાખી છે.

(10:02 am IST)