મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાનીનો રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડીને જીત હાસલ કરવા પડકાર

નવસારીમાં ચૂંટણી સભા દરમિયાન સ્‍મૃતિ ઇરાનીઅે કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધી ઉપર કર્યા પ્રહારો

અમદાવાદ : આગામી સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં ભાજપના સ્‍ટાર પ્રચારકો ચૂંટણી સભાઓ ગજાવી રહ્યા છે.

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ નવસારી જિલ્લામાં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ સભાની અંદર તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા છે.

સ્મૃતિ ઇરાને રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે. હાલમાં આસામની અંદર રાહુલ ગાંધીએ ગુજરાત વિશે જે નિવેદન આપ્યું હતું તેને લઇને સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો છે. સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસને ગુજરાત અને ગુજરાતીઓથી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે હું રાહુલ ગાંધીને ચેલેન્જ આપું છું કે તેઓ ગુજરાતમાંથી ચૂંટણી લડે અને જીતીને બતાવે.

સાથે જ તેમણે કોંગ્રેસ પર ગુજરાતના લોકો સાથે પક્ષપાતનો આક્ષેપ પણ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો. સ્મૃતિ ઇરાને કહ્યું કે પહેલાં કોંગ્રેસને ચાવાળા (નરેન્દ્ર મોદી) સામે વાંધો હતો હવે તેમને ચા પીનારા લોકો સામે પણ વાંધો છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગત મંગળવારે આસામમાં એક સભાને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે આસામના ચાના બગીચાના મજૂરોને 167 રુપિયાની મજૂરી મળે છે. જ્યારે ગુજરાતના વેપારીઓને આખા ચાના બગીચા આપવામાં આવે છે. તેમના આવા નિવેદનનો ગુજરાતમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.

(12:00 am IST)