મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

ભારતમાં યુકે-દ.આફ્રિકા બાદ હવે બ્રાઝિલના સ્ટ્રેનની એન્ટ્રી

કોરોના વાયરસનો અલગ સ્ટ્રેન કેડો છોડતો નથી : આફ્રિકાથી આવેલા ૪ લોકોમાં કોરોનાનો સાઉથ આફ્રિકી સ્ટ્રેન મળ્યો અને બ્રાઝીલ સ્ટ્રેનની એન્ટ્રી ફેબ્રુઆરીમાં થઈ

નવી દિલ્હી, તા. ૧૬ : કોરોના વાયરસમાં યૂકે સ્ટ્રેન અને દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન બાદ હવે બ્રાઝિલનો ડર સામે આવ્યો છે. આઈએમસીઆરના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યુ કે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સાસ-કોવ-૨ના બ્રાઝિલ સ્ટ્રેનની જાણકારી મળી છે. વેક્સિનની અસરકારકતાની જાણકારી માટે પ્રયોગ ચાલી રહ્યાં છે. આફ્રિકી અને બ્રાઝિલ સ્ટ્રેન યૂકે સ્ટ્રેન કરતા અલગ છે.

કોરોના વિરુદ્ધ જંગ જારી છે અને તેના ખાત્મા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, આશરે ૮૭ લાખથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગોવા, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત ૮ રાજ્યોમાં પાત્ર સ્વાસ્થ્યકર્મીઓમાંથી ૬૦ ટકાથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. જ્યારે દિલ્હી અને કર્ણાટક રસીકરણને લઈને પાછળ રહેલા રાજ્યોમાં સામેલ છે.

ચીન અને બ્રિટન બાદ હવે સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ વાળા કોરોનાની પણ ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, આફ્રિકાથી આવેલા ચાર લોકોમાં કોરોના વાયરસનો સાઉથ આફ્રિકી સ્ટ્રેન મળ્યો છે. જ્યારે બ્રાઝીલ સ્ટ્રેનની એન્ટ્રી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં થઈ ચુકી છે. ભાર્ગવે મંગળવારે જણાવ્યુ કે, બધા યાત્રીકોને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. ભાર્ગવે તે પણ કહ્યુ કે, યૂકે વાળા સ્ટ્રેનના અત્યાર સુધી દેશમાં ૧૮૭ કેસ સામે આવ્યા છે. બધા કન્ફર્મ કેસોના સંક્રમિતોને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે અને તેની સારવાર ચાલી રહી છે. તેના કોન્ટ્રાક્ટને આઇસોલેટ કરવામાં આવી ચુક્યા છે. પરંતુ પહેલાથી હાજર વેક્સિનમાં તેના બચાવની ક્ષમતા છે.

(12:00 am IST)