મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

મહારાષ્ટ્રમાં સરકારમાં ભાગીદાર કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ઔરંગાબાદનુ નામ બદલીને સંભાજી નગર રાખવાના મુદ્દે ફરી વખત ટકરાવ સર્જાયો

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારમાં ભાગીદાર કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ઔરંગાબાદનુ નામ બદલીને સંભાજી નગર રાખવાના મુદ્દે ફરી વખત ટકરાવ સર્જાયો છે.

આ વખતે શિવસેનાએ કોંગ્રેસ પર પોતાના મુખપત્ર સામનામાં આકરો લેખ લખ્યો છે.કોંગ્રેસે ઔરંગાબાદનુ નામ બદલવા સામે વિરોધ કરીને ઔરંગઝેબનો બચાવ કર્યો હતો.તેના પર સંજય રાઉતે પોતાના લેખમાં કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતા કહ્યુ છે કે, ભારતનુ બંધારણ સેક્યુલર છે પણ બાબર, ઔરંગઝેબ અને શાઈસ્તખાન જેવા લોકોને આપણે કેવી રીતે સેક્યુલર માની શકીએ.ઔરંગઝેબના મનમાં તો મુસ્લિમો સીવાયના લોકો માટે તિરસ્કારની ભાવના હતી.હિન્દુઓ અને સીખો પર અત્યાચાર કરવામાં તેણે બાકી રાખ્યુ નથી તો ઔરંગાબાદનુ નામ રાખીને ઓરંગઝેબનો વારસો કેમ આપણે સાચવી રહ્યા છે...

રાઉતના કહેવા પ્રમાણે ઓરંગઝેબ કોણ હતો તે વાત કમસે કમ મહારાષ્ટ્રમાં કોઈને સમજાવવાની જરુર નથી.ઔરંગઝેબના દરબારમાં છત્રપતિ શિવાજી મહારાજની તલવાર વીજળીની જેમ ચમકી હતી.ઔરંગઝેબ સામેના જંગનુ નેતૃત્વ પહેલા શિવાજી મહારાજ અને બાદમાં સંભાજી રાજેએ કર્યુ હતુ.સાચા મરાઠીઓ અને કટ્ટર હિન્દુઓ માટે ઔરંગઝેબ મહત્વ નથી રાખતો.જોકે કોંગ્રેસ જેવી પાર્ટીઓને લાગે છે કે, ઔરંગાબાદનુ નામ બદલીને સંભાજી નગર કરાયુ તો મુસ્લિમ સમાજ નારાજ થશે અને વોટ બેન્ક પ્રભાવિત થશે.નામ બદલવાનો વિરોધ કરી રહેલી પાર્ટીઓ સવાલ ઉઠાવી રહી છે કે, તેનાથી લોકોની સમસ્યાનો હલ નીકળવાનો નથી .આમ છતા મહારાષ્ટ્રનો એક મોટો વર્ગ ઔરંગઝેબ સાથે જોડાયેલી કોઈ યાદ સાચવવા નથી માંગતો તે હકીકત છે.

કોંગ્રેસના વિરોધ પછી પણ શિવસેના નામ બદલવા માટે મક્કમ છે.તાજેતરમાં આદિત્ય ઠાકરેએ પણ આવુ જ નિવેદન આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, સંભાજીનગર નામ થઈને જ રહેશે.

બીજી તરફ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા પણ નામ બદલવા માટે આંદોલન શરુ કરવામાં આવ્યુ છે.જ્યારે શરદ પવારની પાર્ટી આ મુદ્દે તટસ્થ વલણ અપનાવી રહી છે.એનસીપીએ સંકેત આપ્યો છે કે, નામ બદલાય તો પણ અમને વાંધો નથી.જ્યારે ભાજપ તો પહેલેથી સંભાજીનગર નામ રાખવા માટે તરફેણ કરી રહી છે.

આમ આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી એકલી પડે તેમ લાગી રહી છે.બીજી તરફ કોંગ્રેસના નેતા સંજય નિરુપમે ગઈકાલે એક સભામાં કહ્યુ હતુ કે, જે દિવસે કોંગ્રેસે શિવસેના સાથે મળીને સરકાર બનાવી તે જ દિવસથી મહારાષ્ટ્રમાં તેનુ પતન શરુ થઈ ગયુ હતુ.શિવસેનાનુ નામ બદલવા માટેનુ વલણ સ્પષ્ટ છે પણ કોંગ્રેસ પાસે એટલુ સાહસ છે કે, તે સમર્થન પાછુ ખેંચીને સરકારને પાડી શકે.કદાચ આનો જવાબ ના છે.કારણકે સરકારમાં નહીં હોય તો કોંગ્રેસ મહારાષ્ટ્રમાં હાંસિયામાં ધકેલાઈ જશે.

(3:17 pm IST)