મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

બિલ ગેટ્સ અમેરિકાના 'સૌથી મોટા ખેડૂત': 18 રાજ્યોમાં ખરીદી 2,42,000 એકર જમીન

બિલ ગેટ્સે ખેતી યોગ્ય જમીન સહીત કુલ 2,68,984 એકર જમીનના માલિક બની ચૂકયાં છે

માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને દુનિયાના ચોથા સૌથી ધનિક વ્યકિત બિલ ગેટ્સે (Bill Gates) અમેરિકામાં મોટાપાયે ખેતીની જમીન ખરીદી છે. એક અહેવાલ મુજબ બિલ ગેટ્સ અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2 લાખ 42 હજાર એકર ખેતીની જમીનના માલિક બની ગયા છે. આટલી મોટી જમીન ખરીદ્યા બાદ બિલ ગેટ્સ અમેરિકામાં ખેતીની જમીનના સૌથી મોટા (પ્રાઈવેટ ઓનર) માલિક બની ગયા છે. બિલ ગેટ્સે ફક્ત ખેતી યોગ્ય જમીનમાં ઈન્વેસ્ટમેન્ટ જ નથી કર્યુ. પણ તેઓ તમામ રીતે કુલ 2,68,984 એકર જમીનના માલિક બની ચૂકયાં છે. આ જમીન અમેરિકાના 18 રાજ્યોમાં સ્થિત છે. તેમાં એરિઝોના સ્થિતની જમીન પણ સામેલ છે, જેના પર સ્માર્ટ સીટી વસાવવાની યોજના છે.

65 વર્ષના બિલ ગેટ્સે અમેરિકાના લુસિયાનામાં 69 હજાર એકર, અર્કસસમાં આશરે 48 હજાર એકર, એરિઝોનામાં 25 હજાર એકર ખેતી લાયક જમીન ખરીદી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બિલ ગેટ્સે આટલી મોટી માત્રામાં કેમ ખેતીની જમીન ખરીદી. આ જમીન સાથે જોડાયેલી વધુ જાણકારી સાર્વજનીક નથી કરાઈ, બિલ ગેટ્સે આ જમીન સીધી રીતે અને પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ટીટી કાસ્કેટ ઈન્વેસ્ટમેન્ટ થકી ખરીદી છે, રિપોર્ટસ મુજબ બિલ ગેટ્સે 2018માં તેના ગૃહ રાજ્ય વોશિંગ્ટનમાં 16 હજાર એકર જમીન ખરીદી હતી, તેમાં હોર્સ હેવન હિલ્સ ક્ષેત્રની 14,500 એકર જમીન પણ શામેલ છે, જે તેમણે 1,251 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

તે વર્ષે અમેરિકામાં એ સૌથી ઉંચી કિંમતે ખરીદાયેલી જમીન હતી. કાસ્કેટ ઈન્વેસ્ટમેન્ટએ જમીનની ખરીદી પર વધુ જાણકારી આપી નથી પણ એટલું કહ્યું છે કે કંપની સસ્ટેનેબલ ફાર્મીંગને ખૂબ મદદ કરે છે. મહત્વનું છે કે 2008મં બિલ એન્ડ મિન્લિડા ગેટ્સ ફાઉન્ડેશને જાહેર કર્યું હતું કે તેઓ આફ્રિકા અને દુનિયના અન્ય વિકાસશીલ ક્ષેત્રોમાં નાના ખેડૂતોને પાક ઉગાડવામાં અને તેમની આવકમાં મદદ માટે 2,238 કરોડ રૂપિયાની સહાયતા આપી રહ્યાં છે. જેથી નાના ખેડૂતો ભૂખ અને ગરીબીથી બહાર આવી શકે.

(12:32 am IST)