મુખ્ય સમાચાર
News of Friday, 17th January 2020

શેરબજાર ફ્લેટ : સેંસેક્સમાં ખુબ નજીવો સુધારો નોંધાયો

સેંસેક્સ ૪૧૯૪૫ની ઉંચી સપાટીએ રહ્યો : ભારતી એરટેલ શેરમાં ૬ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો

મુંબઈ, તા. ૧૫ : શેરબજારમાં છેલ્લા બે કારોબારી સેશનમાં ઉથલપાથલ રહ્યા બાદ આજે બજારમાં રાહત રહી હતી. શુક્રવારના દિવસે ફ્લેટ કારોબાર રહ્યો હતો. ફાઈનાન્સિયલ અને બેંકિંગ કાઉન્ટરો ઉપર વેચવાલી રહી હતી. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ભારતી એરટેલમાં ત્રણ ટકા અને છ ટકા સુધીનો ક્રમશઃ ઇન્ટ્રાડે દરમિયાન ઉછાળો રહ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૩ પોઇન્ટ સુધરીને ૪૫૯૪૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં છ ટકાનો ઉછાળો રહ્યો હતો. આ શેરમાં બે વર્ષની ઉંચી પાટી જોવા મળી હતી. એવી અટકળો ચાલી રહી છે કે, ભારતી એરટેલને આગામી દિવસોમાં મુશ્કેલી નડી શકે છે. નિફ્ટી ત્રણ પોઇન્ટના ઘટાડા સાથે ૧૨૩૫૨ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી બેંક, ફાઇનાન્સિયલ સર્વિસ, મેટલ અને આઈટી ઇન્ડેક્સમાં મંદી રહી હતી જ્યારે નિફ્ટી ફાર્મામાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૯ ટકા અને નિફ્ટીમાં ૦.૮ ટકાનો ઉછાળો થઇ ચુક્યો છે.

             આ સપ્તાહ દરમિયાન નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળી ચુક્યો છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. વર્તમાન સરકાર દ્વારા આ બીજુ બજેટ રજૂ કરવામાં આવનાર છે જેમાં મધ્ય વર્ગ માટે ટેક્સ રાહતો જાહેર કરાશે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની તકલીફો દૂર કરવા ઉપર ધ્યાન અપાશે. નાણામંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચુકેલાસીતારામન માટે અનેક પડકારો રહેલા છે. ઇન્કમ ટ્રાન્સફર સહિત જુદા જુદા વિકલ્પ સાથે કૃષિ પેકેજ ઉપર વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત વધુ ઉદાર લઘુત્તમ સમર્થન મૂલ્ય સ્કીમ જાહેર થઇ શકે છે. ઉપરાંત પાર્ટ લોન માટે વ્યાજ માફીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. અન્ય પગલા ઉપર  પણ ચર્ચા ચાલી રહી છે.  મળેલી માહિતી મુજબ ખેડૂતોની તકલીફ દૂર કરવા પગલા લેવાશે. આવક આધાર માટે પણ કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.

             અમેરિકા અને ઈરાન તંગદિલી વચ્ચે સાવચેતીપૂર્વકનું વલણ રાખીને વિદેશી મુડી રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં હજુ સુધી ભારતીય મુડી માર્કેટમાંથી ૨૪૧૫ કરોડ રૂપિયાની રકમ પાછી ખેચી લીધી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાં ૭૭૭ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૩૧૯૨.૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.

આની સાથે જ જાન્યુઆરી મહિનામાં હજુ સુધી ભારતીય મુડી માર્કેટમાંથી ૨૪૧૫ કરોડ રૂપિયાની રકમ પાછી ખેચી લેવામાં આવી છે. બજેટ આડે વધારે સમય રહ્યો નથી ત્યારે મુડી રોકાણકારો સાવચેતી પૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી ગયા બાદ વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો  હતો. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી આર્થિક સુસ્તીની અસર દેખાઈ રહી છે. બીજી બાજુ બજેટ આડે વધારે દિવસો રહ્યા નથી ત્યારે રોકાણકારો હાલમાં રોકાણના મૂડમાં દેખાઈ રહ્યા નથી. બજેટમાં જાહેર કરવામાં આવનાર પગલાને લઇને ઉત્સુક છે.

(7:45 pm IST)