મુખ્ય સમાચાર
News of Friday, 17th January 2020

નાગરિકતા કાનૂન : કોઈ રાજ્ય સરકાર બંધારણથી ઉપર નથી

કેરળ બાદ પંજાબમાં પણ પ્રસ્તાવ પાસ કરાયો : કોર્ટ કચેરીમાં કેસ દાખલ કરીને પ્રજાના પૈસા બગાડવા ન જોઇએ : નાગરિક કાનૂનને લઇને કેરળમાં પ્રસ્તાવ પસાર

નવીદિલ્હી, તા. ૧૭ : કેરળ વિધાનસભામાં રાજ્ય સરકાર તરફથી નાગરિક સુધારા કાનૂનના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી મુરલીધરે સીધો પ્રહાર કર્યો છે. કેરળથી આવનાર વિદેશ રાજ્યમંત્રીએ કહ્યું છે કે, કેરળની સરકારને એક બાબત સમજી લેવી જોઇએ કે, તે કોઇ કાનૂનથી ઉપર નથી. બંધારણથી પણ ઉપર નથી. સરકારોને આ પ્રકારના મામલા પર પ્રસ્તાવ પસાર કરવા અથવા તો કોર્ટમાં કેસ દાખલ કરવા પર પ્રજાના પૈસાની બરબાદી કરવી જોઇએ નહીં. આ પહેલા પ્રદેશના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને પણ કેરળ સરકારને નાગરિક સુધારા કાનૂન પર નિર્ણયને લઇને ટીકા કરી હતી. વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરીને એક્ટને પ્રદેશમાં ન લાગૂ કરવાના નિર્ણય પર પ્રહાર કરતા આરીફે કહ્યું હતું કે, જનતાના પૈસા બગાડવામાં આવી રહ્યા છે. કેરળ સરકારે પ્રસ્તાવ પાસ કરવાને લઇને અનેક રાષ્ટ્રીય અખબારોની પણ વાત કરી હતી. આના ઉપર આરીફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે, પ્રજાના પૈસાનો બગાડ કેરળ સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. કેરળ સરકારે ત્રણ મુખ્ય રાષ્ટ્રીય અખબારોમાં જાહેરાત આપીને કહ્યું હતું કે, સરકારે પ્રજાઓની ભાવનાઓને ધ્યાનમાં લઇને કેટલાક સાહસી નિર્ણયો કર્યા છે.

           નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પર પ્રતિબંધ પણ આ અંગેનો જ એક ચુકાદો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની સરકારે એનપીઆરને એનઆરસીના શરૂઆતી પગલા તરીકે ગણાવીને આની ટીકા કરી છે. નાગરિક સુધારા કાનૂનને લઇને કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર થયા બાદ આ અંગે કેન્દ્રીયમંત્રીએ આજે પ્રતિક્રિયા આપી હતી. નાગરિક સુધારા કાનૂનને લઇને અનેક રાજ્યોમાં વિરોધ છે અને આ રાજ્યો આ કાનૂનને લાગૂ નહીં કરવાની વાત કરી છે. પ્રજાના પૈસા બગાડવાના આક્ષેપ બાદ વિવાદ વધુ ગંભીર બની શકે છે. કેરળ વિધાનસભા બાદ પંજાબ વિધાનસભામાં પણ નાગરિક સુધારા કાનૂનની સામે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. સીએએને રદ કરવાના સંદર્ભમાં વિધાનસભામાં રજૂ કરાયેલા પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કરાયો હતો.

          પંજાબ વિધાનસભાના બે દિવસના ખાસ સત્રના બીજા દિવસે આ કાનૂનની સામે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પંજાબની કોંગ્રેસ સરકારે આ કાનૂનને વિભાજનકારી અને દેશના બંધારણીય માળખાની વિરુદ્ધ ગણાવીને આની ટીકા કરી છે. કેરળ બાદ પંજાબ બીજા રાજ્ય તરીકે છે જ્યાં સીએએની સામે પ્રસ્તાવ રજૂ કરાયો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, નાગરિકતા પર સુધારા કાનૂન ધર્મ નિરપેક્ષતાના માળખાને નુકસાન પહોંચાડે છે. આ કાનૂન વિભાજનકારી છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ લોકશાહીની વિરુદ્ધ છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, સીએએ ધર્મના આધાર પર ગેરકાયદે ઇમિગ્રન્ટ લોકોમાં ભેદભાવ કરે છે જે બંધારણ હેઠળ સ્વિકાર્ય નથી. કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, અનેક એવા મુદ્દા છે જેમાં હજુ પણ ધ્યાન આપવાની જરૂર દેખાઈ રહી છે.

(7:41 pm IST)