મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

ઉન્નાવ રેપ પ્રકરણમાં કુલદીપ સેંગર અંતે દોષિત જાહેર થયા

કુલદીપ સેંગરને સજાની જાહેરાત આવતીકાલે થશે : મહિલા આરોપી શશીસિંહને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાઈ

નવીદિલ્હી, તા. ૧૬ : ઉન્નાવ રેપ કેસના મામલામાં ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલા કુલદીપસિંહ સેંગર સગીરા રેપ કેસના મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ઉન્નાવ રેપ અને અપહરણ મામલામાં સેંગર દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ કોર્ટમાં જ પડી પડ્યા હતા. કુલદીપ સેંગરની સામે દિલ્હીની તીસહજારી કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો હતો. ૨૦૧૭ના અપહરણ અને બળાત્કારના મામલામાં ધારાસભ્ય સેંગરને દોષિત જાહેર કરીને કોર્ટે ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબને લઇને સીબીઆઈને જોરદાર ફટકાર લગાવી હતી. મહિલા આરોપી શશી સિંહને કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, સેંગર માટે સજાની જાહેરાત આવતીકાલે મંગળવારના દિવસે કરવામાં આવશે. ઉન્નાવ કેસમાં કોર્ટે પોતાનો આ ચુકાદો આપ્યો હતો. ઉન્નાવ કેસના અન્ય ચાર મામલામાં હજુ ચુકાદો આવનાર છે. કોર્ટે ધારાસભ્ય સેંગરની મોબાઇલ લોકેશનને મહત્વપૂર્ણ ગણીને પોતાનો ચુકાદો આપ્યો હતો.

           પોતાના ચુકાદામાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ બાબતના પુરાવા છે કે, પીડિતાને શશીસિંહ દોષિત ધારાસભ્યની પાસે લઇને આવી હતી. સેંગરને આઈપીસીની કલમ ૩૭૬, કલમ ૫સી અને પોક્સો એક્ટ હેઠળ દોષિત જાહેર કરાયા છે. કોર્ટે કહ્યું હતું કે, સેંગર એક શક્તિશાળી વ્યક્તિ છે. પીડિતા મહાનગર શિક્ષિત ક્ષેત્રની નહીં બલ્કે ગામની યુવતી છે જેના પરિણામ સ્વરુપે કેસ દાખલ કરવામાં વિલંબ થયો હતો. કોર્ટે કહ્યું હતું કે, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યા બાદ તેના પરિવારના સભ્યોની સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. કોર્ટે સીબીઆઈ દ્વારા આ સમગ્ર મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબને લઇને નારાજગી વ્યક્ત કરી હતી જેના કારણે સેંગરની સામે સુનાવણી લાંબા સમય સુધી ચાલી હતી.

            સેંગરે ૨૦૧૭માં યુવતીનું અપહરણ કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો તે વખતે યુવતી સગીરા હતી. કોર્ટે સહ આરોપી શશી સિંહની સામે પણ આરોપો નક્કી કર્યા છે. બંધ કમરામાં સુનાવણીમાં જિલ્લા જજ ધર્મેશ શર્માએ પહેલા જ  ૧૬મી ડિસેમ્બરના દિવસે ચુકાદો આપવાની જાહેરાત કરી હતી. પીડિત યુવતીની કારને ૨૮મી જુલાઈના દિવસે એક ટ્રકે ટક્કર મારી દીધી જેમાં તે ગંભીરરીતે ઘાયલ થઇ હતી. દુર્ઘટનામાં યુવતીના બે સંબંધીના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટે ઉન્નાવ બળાત્કાર મામલામાં દાખલ કરાયેલા તમામ પાંચ મામલાને પહેલી ઓગસ્ટના દિવસે ઉત્તરપ્રદેશને લખનૌની કોર્ટમાંથી દિલ્હીની કોર્ટમાં ખસેડવાનો આદેશ કર્યો હતો.

(7:59 pm IST)