મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

જામિયાની હિંસામાં ન્યાયિક તપાસની વિપક્ષની માંગણી

નાગરિક કાનૂન પર હિંસા બાદ રાજનીતિ તીવ્ર : ગુલામ નબી આઝાદ, સીતારામ યેચુરી અને ડી રાજા સહિતના વિપક્ષી લીડરોના કેન્દ્ર ઉપર પ્રહાર : બધા ધર્મના લોકો દેખાવ કરી રહ્યા છે

નવીદિલ્હી, તા. ૧૬ : નાગરિક સુધારા બિલને લઇને હવે રાજકીય ઘમસાણની સ્થિતિ થઇ ગઇ છે. રાજનીતિ વધુ તીવ્ર બની ગઈ છે. આજે વિરોધ પક્ષના નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. પોલીસ એક્શન પર સવાલ ઉઠાવીને ગૃહમંત્રી અમિત શાહ ઉપર પ્રહારો કર્યા હતા. આ ગાળા દરમિયાન કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, સીપીઆઈના નેતા સીતારામ યેચુરી અને ડી રાજા ઉપસ્થિત રહ્યા હતા. આ તમામે જામિયા યુનિવર્સિટી હિંસા મામલામાં ન્યાયિક તપાસની માંગ કરી છે. વિપક્ષી નેતા આજે સાંજે પાંચ વાગે રાષ્ટ્રપતિને પણ મળ્યા હતા. ગુલામ નબીએ કેન્દ્ર સરકાર ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આવનાર સમય દેશભરમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા હતા. દેશના તમામ રાજ્યોમાં દેખાવો થઇ રહ્યા છે.

              આઝાદે કહ્યું હતું કે, પોલીસ કેમ્પસમાં ઘુસીને લાઇબ્રેરીમાં જઇને બાથરુમમાં જઇને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યા હતા. અંધારામાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. વિદ્યાર્થીનીઓ પણ બચાવો, બચાવોની બૂમો પાડી રહી હતી. બીજી બાજુ કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ આક્ષેપો કર્યા છે. ગુલામ નબીએ કહ્યું હતું કે, વિરોધ પ્રદર્શન વિદ્યાર્થી જીવનના એક હિસ્સા તરીકે છે. જે યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન નથી તે યુનિવર્સિટીને તેઓ યોગ્ય ગણતા નથી. આઝાદે સવાલ કર્યો હતો કે, યુનિવર્સિટીના રજિસ્ટ્રારની મંજુરી વગર ઘુસી શકાય નહીં ત્યારે પોલીસ કઈરીતે અંદર પ્રવેશી ગઈ હતી. આઝાદે કહ્યું હતું કે, કોંગ્રેસ પર દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાના આક્ષેપો થઇ રહ્યા છે. જો કોંગ્રેસની આટલી તાકાત રહેલી છે તો બળવો પણ થઇ શકે છે અને કેન્દ્રની સરકાર પણ જઇ શકે છે. આઝાદે કહ્યું હતું કે, દેખાવોમાં દરેક ધર્મના બાળકો ભાગ લઇ રહ્યા છે. આઝાદ બાદ સીતારામ યેચુરી અને રાજાએ પણ મિડિયા સાથે વાત કરી હતી.

(7:58 pm IST)