મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

જામિયા હિંસા : બહારના લોકો પણ જોડાયેલા હતા

દિલ્હી પોલીસ તરફથી નિવેદન

નવી દિલ્હી, તા.૧૬ : જામિયા વિસ્તારમાં થયેલી હિંસા બાદ ફેલાઈ રહેલી અફવાઓ  અને તેના ઉપર મુકવામાં આવી રહેલા આક્ષેપો પર દિલ્હી પોલીસે આજે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે, જામિયા હિંસામાં બહારના તત્વો પણ સામેલ હતા. વિરોધ પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓની સાથે સાથે આસપાસના લોકો પણ હોવાની વિગત સપાટી ઉપર આવી છે. દિલ્હી પોલીસ તરફથી પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું હતું કે, પોલીસ તરફથી એક પણ ગોળી ચલાવવામાં આવી નથી. કોઇપણ કારણસર કોઇનું મોત પણ થયું નથી. અટકળોથી બચવાની જરૂર દેખાઈ રહી છે.

               રંધાવાએ કહ્યું હતું કે, ૧૩મી ડિસેમ્બરના દિવસથી વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ હતી. ૧૪મી ડિસેમ્બરના દિવસે પણ પ્રદર્શન થયું હતું પરંતુ સ્થિતિ પોલીસના કન્ટ્રોલમાં હતી ત્યારબાદ રવિવારના દિવસે પણ બેથી ચાર વચ્ચે પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. બસમાં આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે ટોળાને જામિયાનગર તરફે ધકેલવાની શરૂઆત કરી હતી. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. રંધાવાએ કહ્યું હતું કે, અફવાઓ તરફ ધ્યાન નહીં આપવાની જરૂર દેખાઈ રહી છે. ગેરકાનૂન કામ કરતા લોકો સામે પગલા લેવાશે.

(7:57 pm IST)