મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

જામિયા હિંસાને લઇ સુપ્રીમ લાલઘૂમ : આવતીકાલે સુનાવણી

હિંસા બંધ થશે તો જ સુનાવણી કરાશે : સુપ્રીમ : વિદ્યાર્થી છે જેથી તેમને હિંસા ફેલાવવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની કોઇ કિંમતે મંજુરી આપી ન શકાય

નવી દિલ્હી,તા. ૧૬ : નાગરિકતા સુધારા બિલ ઉપર જામિયા મિલિયા યુનિવર્સિટી અને અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિંસક પ્રદર્શનને લઇને સુપ્રીમ કોર્ટે આજે લાલઆંખ કરી હતી. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે લાલઆંખ કરતા કહ્યું હતું કે, તેના દ્વારા આવતીકાલે આ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ પહેલા હિંસા બંધ થાય તે ખુબ જરૂરી છે. ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ અરજીકારોએ હિંસાના વિડિયો હોવાની વાત કરી હતી ત્યારે તેના જવાબમાં ચીફ જસ્ટિસ એસએ બોબડે દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, આ કોર્ટ રુમ છે. અહીં શાંતિથી પોતાની વાત રજૂ કરવાની રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિદ્યાર્થી છે જેથી તેમને હિંસા કરવા અને સંપત્તિને નુકસાન પહોંચાડવાની કોઇ કિંમતે તક આપી શકાય નહીં. કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાનું કામ પોલીસ કરી રહી છે. પોલીસ આનાથી વધારે કોઇ કામ કરી શકે નહીં. હિંસાને કોઇ ભોગે ચલાવી લેવામા આવશે નહી.

               શાંતિપૂર્ણ પ્રદર્શન કરી શકાય છે. જામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહી સામેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામા આવી હતી. અરજી કરનાર લોકોની દલીલ છે કે સમગ્ર દેશમાં માનવ અધિકારના ભંગ થઇ રહ્યા છે. પોલીસ કાર્યવાહી અયોગ્ય હોવાની દલીલ કરવામાં આવી હતી. અરજી કરનાર લોકો તરફથી ઇન્દિરા જયસિંહ દ્વારા દલીલ કરવામાં આવી હતી. તેઓએ ચીફ જસ્ટીસની સામે દલીલો કરી હતી. ચીફ જસ્ટીસે કહ્યુ હતુકે હિંસા બિલકુલ યોગ્ય નથી. જો મામલાના સમાધાન માટે પહોંચી ગયા છો તો શાંતિ સાથે તેમની દલીલો રજૂ કરવી જોઇએ.પોલીસ દ્વાા કાર્યવાહીના સંબંધમાં દલીલ કરવામાં આવી હતી.  જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે આ કાનુનનો મામલો છે.

               આમાં દિલ્હી પોલીસને કાર્યવાહી કરવાની જ રહેશે. અત્રે નોંધનીય છે કે નાગરિક કાનુન પાસ કરવામા આવ્યા બાદ દિલ્હી સહિત દેશના કેટલાક ભાગોમા વિરોધ પ્રદર્શન જારી છે. આસામ અને પૂર્વોતરના અન્ય રાજ્યોમાં જોરદાર દેખાવ થઇ રહ્યાછે. આસામમાં તો હિંસામાં હજુ સુધી ચાર લોકોના મોત થઇ ચુક્યા છે. નાગરિક સુધારા બિલ હાલમાં લોકસભા અને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ આને મંજુરી આપી ચુક્યા છે. હવે તે કાનુન છે. વિરોધ પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટે  નારાજગી વ્યક્ત કરી છે. 

(7:50 pm IST)