મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

ખ્યાતનામ ઉર્દુ પત્રકાર શિરીન દલવીએ એવોર્ડ પરત કર્યોઃ નાગરિકતા (સુધારા) બિલનો કર્યો વિરોધ

મુંબઇ તા. ૧૬: વિખ્યાત ઉર્દુ પત્રકાર શિરીન દલવીએ ગુરૂવારે તેને ર૦૧૧માં મહારાષ્ટ્ર રાજય ઉર્દુ સાહિત્ય અકાદમી તરફથી મળેલ ખાસ એવોર્ડ નાગરિકતા સુધારા બિલના વિરોધમાં પરત કર્યો હતો.

શિરીને હિંદુ અખબાર સાથે વાત કરતા કહ્યું, ''હું નિરાશ્રીતો માટે નાગરિકતાનો વિરોધ નથી કરતી. તે ખરેખર સારૃં છે અને એક દેશ તરીકે આપણે વિશાળ હૃદય રાખવું જોઇએ. પણ મને એ નથી સમજાતું કે ફકત એક જ કોમને કેમ બાકાત રાખવામાં આવી છે. આ બિલ મુસ્લીમોને તેમની નાગરિકતા સાબિત કરવાનું કહે છે.''

શિરીન દલવી અત્યારે એક ફ્રીલાન્સ પત્રકાર, ટ્રાન્સલેસ્ટ અને લેખક તરીકે કામ કરે છે. તે ઉર્દુ દૈનિક અવધનામાની મુંબઇ આવૃતિના તંત્રી હતા. ર૦૧પમાં ચાર્લી હેબ્ડો નામના ફ્રેંચ મેગેઝીનના એક વિવાદાસ્પદ કાર્ટુનને પ્રકાશિત કર્યા પછી અવધનામા પર હુમલો થયો હતો.

આ કાર્ટુન બહુ ચર્ચાસ્પદ બન્યું હતું અને શિરીન તથા અવધનામાને નિશાન બનાવાયા હતા. તેણીની સામે પાંચ એફઆઇઆર નોંધાઇ હતી. આ બધા કેસ આ વર્ષના માર્ચમાં મુંબઇ હાઇકોર્ટે કાઢી નાખ્યા હતા. અવધનામાની મુંબઇ આવૃતિનું પ્રકાશન ત્યારથી બંધ છે.

દલવીનું કહેવું છે કે ઉર્દુ ભારતીય ભાષા છે અને તેના મુળ દેશમાં જ છે. તમે દેશના ભાગલા પાડી શકો, ભાષાના નહીં. આ ભાષા ફકત એક કોમની નથી, તે આખા દેશની ભાષા છે. અત્યારે મોટા ભાગના લોકો બેરોજગારી જેવા પ્રશ્નોથી પિડીત છે ત્યારે આ બિલ તેમના જખમોમાં વધારો કરશે. આ બિલ પછી આખા સમુદાય પર વણદેખી તલવાર લટકતી રહેશે.

(3:48 pm IST)