મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી જારી : દ્રાસમાં માઇનસ ૧૯

ઉતરાખંડમાં હિમ સંબંધિત બનાવોમાં ત્રણના મોત : હિમવર્ષા બાદ શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પાંચમાં દિવસે પણ બંધ : હિમવર્ષા બાદ પ્રવાસીનો જોરદાર ધસારો

નવી દિલ્હી,તા. ૧૬: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ અકબંધ રહ્યુ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. હિમવર્ષા સંબંધિત બનાવોમાં ત્રણ લોકોના મોત થયા છે. લડાખના દ્રાસ ક્ષેત્રમાં લઘુતમ તાપમાન માઇનસ ૧૯.૬ ડિગ્રી રહ્યુ છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં  ઘટાડો થતા કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં ત્રણ લોકોના મોત થયા છે. કેટલાક ભાગોમાં હિમવર્ષાના કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર પાંચમા દિવસે બંધની સ્થિતી રહી હતી. લેહમાં માઇનસ ૧૩.૫ ડિગ્રી તાપમાન રહ્યુ છે.  ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયુ છે.

 

દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં તો પારો એક ડિગ્રી કરતા પણ નીચે પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ, છત્તિસગઢ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં પણ હાલત કફોડી બનેલી છે. જુદા જુદા ભાગોંમાં ટ્રેન અને વિમાની સેવાને પ્રતિકુળ અસર થઇ છે. લોકો ઠંડીથી બચવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.  આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. 

ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની  અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી  દોડી રહી છે. રેલવે સ્ટેશન પર યાત્રી બેહાલ બન્યા છે. એક તરફ ધુમ્મસ અને બીજી તરફ ઠંડીમાં વધારાના કારણે લોકોને લાંબા સમય સુધી ઠંડીમાં ઠુઠવાઈને પણ ટ્રેનની રાહ જોવી પડી છે.

શુક્વારના દિવસે દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદ થયો હતો જેથી આ તમામ વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હિમવર્ષાના કારણે હિમાચલના વિવિધ ભાગો, કાશ્મીરના કેટલાક ભાગો અને ઉત્તરાખંડમાંબરફની ચાદર છે.   પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી રહી છે. જેના કારણે હવે જનજીવન પર અસર થઇ રહી છે. એકબાજુ હિમાચલપ્રદેશના કુલ્લુ-મનાલીમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. બીજી બાજુ કાશ્મીર-લડાખ હાઇવે પણ ભારે હિમવર્ષા થઇ રહી છે. હિમવર્ષા, કરા સાથેવરસાદના કારણે હાલત કફોડી બની રહી છે.

ઉત્તર ભારતના હવામાનની સ્થિતીમાં જોરદાર પલટો આવ્યો છે. મોટા ભાગના રાજ્યોમાં પારો ગગડી ગયો છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના  મેદાની રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. કાશ્મીરમા અવિરત ભારે હિમવર્ષાના કારણે સતત વિમાની સેવાને અસર થઇ રહી છે. પ્રતિકુળ હવામાનની સ્થિતીના કારણે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગની સાથે સાથે વાહન વ્યવહાર પર માઠી અસર થઇ રહીછે. જમ્મુના વૈષ્ણોદેવી  વિસ્તારમાં પણ સિઝનમાં પ્રથમ વખત હિમવર્ષા થઇ છે. ગંગોત્રી અને યમનોત્રી ધાર્મિક વિસ્તારમાં છ ઇંચ સધી બરફ પડતા ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. હવામાનમાં આવેલા પલટા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે.  ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ  ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે .

(3:32 pm IST)