મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

રાહુલ ગાંધીના 'રેપ ઈન ઈન્ડિયા' વાળા નિવેદન પર ચૂંટણી પંચ એક્શનમાં: ઝારખંડના અધિકારીઓ પાસે માંગ્યો રિપોર્ટ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી પંચે ફરિયાદ કરતા રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હી : ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ફરિયાદ બાદ રાહુલ ગાંધી 'રેપ ઈન ઈન્ડિયા'ના નિવેદન અંગે ઝારખંડના અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે. રાહુલે 12 ડિસેમ્બરના રોજ ગોડ્ડામાં ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે, મોદી કહે છે કે મેક ઈન ઈન્ડિયા, પણ આજકાલ તમે જ્યાં જુઓ ત્યાં 'રેપ ઈન ઈન્ડિયા'છે.

  આ અંગે ભાજપે સંસદમાં રાહુલ માફી માંગે તેવી માંગણી કરી હતી. ત્યારબાદ કોંગ્રેસની 'ભારત-બચાવો' રેલીમાં કહ્યું હતું કે, મારું નામ રાહુલ સાવરકર નહીં, રાહુલ ગાંધી છે. સાચું બોલવા માટે હું કયારેય માફી નહીં માંગું અને ના તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઇ માફી માંગશે.

   સંસદમાં નિવેદન અંગે હોબાળા બાદ પણ રાહુલે માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, મોદીએ તો દિલ્હીને રેપ કેપિટલ ગણાવ્યું હતું. મારી પાસે તેની ક્લિપ પણ છે. ત્યારબાદ સ્મૃતિ સહિત અન્ય મહિલા સાંસદોએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી

  સ્મૃતિએ જણાવ્યું કે, અમે પંચને કહ્યું છે કે, મહિલાઓના અપરાધ અંગે કોઈ પણ પ્રકારનું રાજકારણ કરવું જોઈએ નહીં. રાહુલ ગાંધીએ દુષ્કર્મને એક રાજકીય હથકડીની જેમ ઉપયોગ કર્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના સાવરકરવાળા નિવેદન બાદ મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ સામસામે એકબીજા પર પ્રહારો કરી રહ્યા હતા. એટલે સુદ્ધાં કે સંજય રાઉતે તો સાવરકરના પુસ્તકો રાહુલ ગાંધીને વાંચવા સુદ્ધાંની સલાહ આપી દીધી.

(12:28 pm IST)