મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

બુધવારે GST કાઉન્સીલની બેઠકઃ આવકના ખાડા પુરવાના રસ્તા શોધાશેઃ સ્લેબમાં ફેરફાર થશે

પ ટકાનો સ્લેબ વધારી ૮ ટકા તથા ૧ર-૧૮ ટકાને ભેળવી ર૦ ટકાનો એક સ્લેબ બનાવવા વિચાર

નવી દિલ્હી તા. ૧૬ :.. બુધવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી આવકમાં ઘટ પુરવા લેવામાં આવનારા સંખ્યાબંધ મુદા પર ચર્ચા થવાની સંભાવના છે એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. જીએસટી દર વધારવા કે પછી વર્તમાન દર માળખામાં મોટા પાયે ફેરફાર કરવા તે મુદે રાજયોમાં ભાગલા પડી ગયા છે.

જીએસટી આવકમાં ઘટને સરભર કરવા દર વધારવા અથવા તો કરમાળખામાં ફેરફાર કરવા જોઇએ એમ પંજાબ અને કેરળ માને છે, જયારે અન્ય રાજયોના મતે અર્થતંત્રમાં નરમાઇના સમયમાં આવા ફેરફાર કરવાનો આ યોગ્ય સમય નથી. અંતિમ નિર્ણય તો જીએસટી કાઉન્સીલ હશે.

કન્સેપ્ટ પેપરમાં જીએસટી આવકમાં ઘટ માટેનાં કારણો જણાવવામાં આવશે, જેમાં જીએસટીના અમલ પછી ટેકસમાં ઘટાડો, મોટી સંખ્યામાં એકઝેમ્પ્શન્સ અને વહીવટી ખામીઓનો સમાવેશ થાય છે. ડીલકસ રૂમમાં હોસ્પિટલાઇઝેશન અથવા મોબાઇલ ફોન અથવા લિનન જેવા ફેબ્રિકસ પર ટેકસ જેવા મુદા ફોકસમાં રહેશે.

કેટલાંક રાજયો એકઝેમ્પેટેડ આઇટમ્સની યાદી ઘટાડવા કે કેટલીક  સેવાઓ પર ટેકસ વધારવા આતુર છે. એવાં પણ સુચનો છે કે પાંચ ટકાના સ્લેબને વધારીને ૮ ટકા અને ૧ર ટકા તથા ૧૮ ટકો એક કરીને ર૦ ટકામાં સ્લેબમાં લાવવા જોઇએ. જીએસટી કાઉન્સિલ સેક્રેટરિયટે નવેમ્બર મહિનામાં આવકમાં ઘટની સમસ્યાને ઉકેલવા તથા દર સરળીકરણ મુદે રાજયો પાસેથી અભિપ્રાય મગાવ્યા હતાં.

કેન્દ્ર સરકાર દરમાં ઘટાડો તથા એકઝેમ્પશનમાં વધારાને કારણે આવકમાં પડનારી ઘટનો બોજો સહન કરવા રાજયોને જણાવે તેવી સંભાવના છે. સતત ત્રણ મહિના સુધી રૂ. એક કરોડથી નીચે ગયા પછી નવેમ્બર મહિનામાં જીએસટી કલેકશન એક લાખ કરોડથી નીચે ગયા પછી નવેમ્બર મહિનામાં જીએસટી કલેકશન એક લાખ કરોડને પાર થયું હતું. સત્તાવાર પેનલે વહીવટી પગલા ભરવા માટે પણ સુચન કર્યુ છે, જેમાં કરચોરી અટકાવવા ડેટાનો સઘન ઉપયોગનો  પણ સમાવેશ થાય છે. વળતરમાં વિલંબ પણ એક મહત્વનો મુદો છે.

આગામી બેઠક ઉગ્ર રહેવાની સંભાવના છે કારણ કે વિરોધ પક્ષ શાસિત રાજયો રેવન્યુ લોસની સામે વળતર ચુકવવામાં વિલંબનો મુદો ઉઠાવશે. કેરળ સહિતના સાત રાજયોએ વળતરમાં વિલંબ મુદ્ે કેન્દ્ર સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપી છે.

(11:43 am IST)