મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

ગયા વર્ષ કરતા ૨૨ ટકા ઘટાડોઃ ડિસ્કાઉન્ટની ઓફરો છતાં ગ્રાહકો ખરીદીથી દુર રહ્યા

નવેમ્બરમાં પેસેન્જર વાહનોનું વેચાણ ઘટયું

નવી દિલ્હી, તા.૧૬: ગુજરાતમાં નવેમ્બર ૨૦૧૯માં પેસેન્જર વાહનોનું વેચાણ ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં ૨૨ ટકા ઘટયું છે. નવેમ્બર ૨૦૧૮માં પેસેન્જર વાહનોનું વેચાણ ૨૯,૯૦૯ હતું જે આ વર્ષે નવેમ્બરમાં ઘટીને ૨૩,૪૨૭ થયું. આ માહિતી ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ અસોસિએશન (FADA) દ્વારા પૂરી પાડવામાં આવી છે.

આ જ સમયગાળા દરમિયાન ટુ-વ્હીલરના વેચાણમાં પણ દ્યટાડો નોંધાયો છે. આખા રાજયમાં નવેમ્બર ૨૦૧૮માં ૧.૪ લાખ ટુ-વ્હીલરની નોંધણી થઈ હતી. જે આ વર્ષે નવેમ્બર મહિનામાં દ્યટીને ૧.૦૯ લાખ ટુ-વ્હીલરની નોંધણી થઈ. મતલબ કે, એક વર્ષમાં ટુ-વ્હીલરના વેચાણમાં ૨૨ ટકાનો ઘટાડો નોંધાયો. દેશના ટુ-વ્હીલર સેગમેન્ટમાં રજિસ્ટ્રેશનની દ્રષ્ટિએ સૌથી ઓછા ટુ-વ્હીલર જમ્મુ-કાશ્મીર, ચંડીગઢ, દિલ્હી અને ગોવામાં નોંધાયા હતા. ત્યારબાદ પાંચમા ક્રમે ગુજરાત આવે છે.

ગુજરાતના FADAના ડિરેકટર પ્રણવ શાહે વેચાણ ઘટવાનું કારણ આપતા કહ્યું, 'દિવાળીની સીઝન પછી વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકો વાહનો ખરીદવાનું મોકૂફ રાખી રહ્યા છે જેના કારણે સંતોષજનક ખરીદીને ફટકો વાગ્યો છે. ભારે ડિસ્કાઉન્ટની ઓફર દ્યણા મોડલ પર આપવામાં આવી તેમ છતાં ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા.'

ઓટોમોબાઈલ સેકટરની માગ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઘટી છે, તેવું નિષ્ણાતોનું કહેવું છે. FADAના વરિષ્ઠ સભ્યએ કહ્યું, અગાઉ જયારે સારો અને પૂરતો વરસાદ થતો ત્યારે વેચાણ વધવાની આશા રહેતી હતી. જો કે, લંબાયેલા ચોમાસાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વાહનોનું વેચાણ નિરાશાજનક રહ્યું હતું. ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં વેચાણ વધશે તેવું લાગતું નથી. જો કે, હવે જે પાક ઉતરશે તે પછીના સમયમાં વેચાણમાં સહેજ વધારો થાય તેવી સંભાવના છે.

પેસેન્જર વાહનોની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી નીચા રજિસ્ટ્રેશનમાં જમ્મુ-કાશ્મીર અને ચંડીગઢ પછી ગુજરાતનો ક્રમ આવે છે. નામ ન આપવાની શરતે એક કાર ડીલરે કહ્યું, 'BS-VI વાહનો અંગેની મૂંઝવણની સાથે ગ્રાહકોની સંતુષ્ટિ પણ વાહનોના વેચાણમાં દ્યટાડો થવાનું મુખ્ય કારણ છે. લોકો ખરીદી મોકૂફ રાખી રહ્યા છે અને રૂપિયા બચાવી રહ્યા છે. અર્થશાસ્ત્રની કથળતી સ્થિતિ તેનું કારણ છે. મધ્યમ અને લદ્યુ ઉદ્યોગો ઉપરાંત મોટાભાગના સેકટરમાં વેપાર ઓછો થયો છે. જે ગ્રાહકોની ખરીદશકિત પર અસર કરી રહ્યો છે.'

(10:19 am IST)