મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

નાગરિકતા કાનૂન : દિલ્હીમાં દેખાવકારોએ તાંડવ મચાવ્યો

ત્રણથી વધુ બસ અને વાહનોને આગ ચાંપી દેવાઈ : હિંસક વિરોધ પ્રદર્શનમાં ફાયર બ્રિગેડના બે કર્મીઓ ઘાયલ

નવી દિલ્હી, તા. ૧૫ : પાટનગર દિલ્હીમાં નાગરિક કાનૂનની સામે આજે રવિવારના દિવસે હિંસક દેખાવો થયા હતા. દેખાવકારોએ દક્ષિણ દિલ્હીના ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં જોરદાર તાંડવ મચાવ્યો હતો. ત્રણ બસ અને કેટલીક બાઇકોને આગ ચાંપી દેવામાં આવી હતી. આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના જવાનોને તરત જ પહોંચી જવાની ફરજ પડી હતી. દેખાવકારોએ એક ફાયર બ્રિગેડની ગાડીને પણ આગ ચાંપી દીધી હતી જેમાં બેને ઇજા થઇ હતી. દક્ષિણ દિલ્હીના ચાર મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરવાની ફરજ પડી હતી. મોટી સંખ્યામાં દેખાવકારોએ જામિયાનગરથી ઓખલા તરફ માર્ચ યોજીને દેખાવો કર્યા હતા. દેખાવકારોમાં જામિયા મિલિયાના વિદ્યાર્થી પણ સામેલ હતા. પોલીસ સાથે તેમની ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ દેખાવકારો ઉગ્ર થયા હતા અને કેટલાક વાહનોને આગ ચાંપી હતી. ફાયર બ્રિગેડના બે કર્મચારીઓને ઇજા થઇ હતી.

               કોંગ્રેસના વિદ્યાર્થી પાંચના નેશનલ સેક્રેટરી સેમન ફારુકીએ કહ્યું હતું કે, દેખાવકારો મથુરા રોડ પર બેસીને શાંતિપૂર્ણ દેખાવ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને હેરાન કર્યા હતા. દેખાવકારોએ વિરોધ કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસના બળપ્રયોગ બાદ કેટલાક દેખાવકારોએ બસમાં આગ ચાંપી દીધી હતી. તોડફોડ પણ કરવામાં આવી હતી. દિલ્હીમાં ચાર મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. નાગરિક બિલ પાસ કરવામાં આવ્યા બાદથી પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસા ચાલી રહી છે જેમાં બંગાળ, આસામ, ત્રિપુરા અને મેઘાલયલનો સમાવેશ થાય છે. આસામમાં પોલીસ ગોળીબારમાં હજુ સુધી ચાર લોકોના મોત પણ થઇ ચુક્યા છે. પૂર્વોત્તરના રાજ્યોમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા હાલમાં બંધ કરાઈ છે.

(8:42 am IST)