મુખ્ય સમાચાર
News of Tuesday, 16th November 2021

મંત્રી નવાબ મલિકે હવે કિરણ ગોસાવીની કથિત ચાર ઓડિયો ક્લિપ્સ પોસ્ટ કરી :ગંભીર આરોપ લગાવ્યા

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં પસંદગીના લોકોને ફસાવવા માટે આવું ષડયંત્ર રચવામાં આવ્યું હતું

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકના એનસીબી ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર હુમલાઓ ચાલું છે. નવાબ મલિકે  પ્રેસ કોન્ફરન્સ પહેલા કિરણ ગોસાવીની વોટ્સએપ ચેટ પોસ્ટ કરી હતી અને પછી આરોપ મૂક્યો હતો કે સમીર વાનખેડેએ કાશિફ ખાનને છોડ્યો હતો અને આર્યન ખાનને ફસાવ્યો હતો. હવે તેમણે કે.પી. ગોસાવીની કથિત 4 ઓડિયો ક્લિપ્સ તેમના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરી છે.

ગોસાવી હાલ ન્યાયિક કસ્ટડીમાં છે અને પુણેની યરવડા જેલમાં છે. આ ઓડિયો ક્લિપ્સમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મોબાઈલ પર વાતચીત થઈ રહી છે. આ ક્લિપ્સે ફરી એકવાર ખળભળાટ મચાવ્યો છે.

નવાબ મલિક દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ કથિત ઓડિયો ક્લિપ્સમાં એક વાત સ્પષ્ટપણે સમજાય છે કે કિરણ ગોસાવી એક અજાણ્યા વ્યક્તિને કહી રહ્યો છે કે 10માંથી 5 લોકોના નામ જણાવો પરંતુ ક્રૂઝની ડ્રગ્સ પાર્ટીમાં આવનારા લોકોના ચોક્કસ અને ખાતરીપુર્વકના નામ જણાવો. ગોસાવી એમ પણ કહી રહ્યો છે કે તે ભલે દસ નામ ન આપે, પાંચ જ આપે, પરંતુ તેમની પાસેથી ડ્રગ્સ મળવું જોઈએ. મતલબ કે તેમને પકડ્યા બાદ રિકવરીની કામગીરી આગળ વધારી શકાશે.

એક ક્લિપમાં ગોસાવી પોતાને અધિકારીઓના સીધા સંપર્કમાં હોવાનું જણાવી રહ્યો છે. એટલે કે, તે તે વ્યક્તિને કહી રહ્યો છે કે તે સીધો NCB અધિકારીના સંપર્કમાં છે. જોકે, આ ક્લિપ્સમાં ક્યાંય પણ NCB કે સમીર વાનખેડેનો ઉલ્લેખ નથી. પરંતુ એટલું જરૂર બહાર આવ્યું છે કે ગોસાવી પહેલેથી જ ક્રુઝની ડ્રગ્સ પાર્ટીમાં ભાગ લેવા જઈ રહેલા લોકો વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ રીતે, જે લોકો ક્રુઝમાં આવ્યા હતા તેઓને ટ્રેક કરવામાં આવ્યા હતા અને પછી વસુલી માટે ટ્રેપ કરવામાં આવ્યા હતા.

(12:09 am IST)