મુખ્ય સમાચાર
News of Tuesday, 16th November 2021

અમેરિકા અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે ૩ કલાક સુધી ચાલી વર્ચ્યુઅલ બેઠક

અનેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા અમેરિકા અને ચીને કેટલાક સમયથી બગડતા સંબંધોને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો

વોશીંગ્ટન, તા.૧૬: અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી અને ૩ કલાકથી વધુ સમય સુધી બન્ને નેતાઓ વચ્ચે વાતચીત થઇ. અમેરિકા અને ચીને કેટલાક સમયથી બગડતા સંબંધોને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. તાઈવાનથી લઈને કોરોના સહિતદ્યણા મુદ્દાઓ પર યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વાતચીત થઇ હતી. આ બેઠક ભલે વર્ચ્યુઅલ   હતી, પરંતુ આ બેઠકમાં બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્પર્ધાને મુકાબલામાં ફેરવવા દેવામાં આવશે નહીં. લાંબા સમયથી બંને નેતાઓ મળવા માટે તૈયાર નહોતા, પરંતુ જયારે તેઓ વર્ચ્યુઅલ રીતે મળ્યા ત્યારે લગભગ ૩ કલાક અને ૨૪ મિનિટ સુધી વાતચીત ચાલી હતી યુએસ પ્રમુખ જો બિડેને સોમવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઓનલાઈન મીટિંગ કરી હતી અને કહ્યું હતું કે તેમનો ધ્યેય એ સુનિશ્યિત કરવાનો છે કે સ્પર્ધા સંદ્યર્ષમાં ફેરવાઈ ન જાય.

અમેરિકા અને ચીન વચ્ચેના વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિમાં બંને નેતાઓએ આ બેઠક યોજી હતી. બિડેન ઉત્તર-પશ્ચિમ ચીનમાં ઉઇગુર સમુદાયના માનવાધિકારના ઉલ્લંઘન, હોંગકોંગમાં લોકશાહી વિરોધને કચડી નાખવા અને સ્વ-શાસિત તાઇવાન સામે લશ્કરી આક્રમણ સહિત વિવિધ મુદ્દાઓ પર બેઇજિંગની ટીકા કરતાં રહ્યા છે, શીના અધિકારીઓએ બિડેન વહીવટીતંત્ર પર નિશાન સાધ્યું છે અને તેમના પર ચીનની આંતરિક બાબતોમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે.

જો બિડેને મીટિંગની શરૂઆતમાં કહ્યું, 'ચીન અને અમેરિકાના નેતાઓ તરીકે, એ સુનિશ્યિત કરવાની અમારી જવાબદારી છે કે આપણા દેશો વચ્ચેની સ્પર્ધા ટકરાવમાં ફેરવાઈ ન જાય, તેના બદલે તે સરળ અને સીધી સ્પર્ધા રહે.' બિડેન ઓનલાઈન મીટિંગ યોજવાને બદલે શીને રૂબરૂ મળવા માંગતા હતા, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ કોવિડ-૧૯ વૈશ્વિક રોગચાળાના ફાટી નીકળ્યાના થોડા સમય પહેલા સુધી દેશની બહાર ગયા નથી. વ્હાઇટ હાઉસે ફરીથી ઓનલાઈન મીટિંગનો પ્રસ્તાવ મૂકયો, જેથી બંને નેતાઓ સંબંધોમાં તણાવ અંગે નિખાલસ વાતચીત કરી શકે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બિડેનને કહ્યું કે બંને પક્ષોએ સંબધો સુધારવાની જરૂર છે. શીએ બિડેનને 'જૂના મિત્ર' ગણાવ્યા અને કહ્યું, 'રાષ્ટ્રપતિ બિડેન, હું તમારી સાથે કામ કરવા, પરસ્પર સમજણ કેળવવા, સક્રિય પગલાં લેવા અને ચીન-યુએસ સંબંધોને સકારાત્મક દિશામાં આગળ વધારવા માટે ઉત્સુક છું.' ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે એક ઓનલાઈન મીટિંગમાં તેમના અમેરિકન સમકક્ષ જો બિડેનને કહ્યું કે ચીન અને યુનાઈટેડ સ્ટેટ્સે એકબીજાનું સન્માન કરવું જોઈએ, શાંતિપૂર્ણ રીતે સાથે રહેવું જોઈએ અને બંને પક્ષોના ફાયદાના માર્ગ પર આગળ વધવું જોઈએ.

શીએ મજબૂત અને સ્થિર ચીન-યુએસ સંબંધો વિકસાવવા માટે સમિટનું આહ્વાન કર્યું અને સર્વસંમતિ બનાવવા અને દ્વિપક્ષીય સંબંધોને સકારાત્મક દિશામાં આગળ વધારવા માટે સક્રિય પગલાં લેવા માટે બિડેન સાથે કામ કરવાની તૈયારી દર્શાવી. બહુપ્રતિક્ષિત સમિટ મંગળવારે સવારે શરૂ થઈ હતી. ફેબ્રુઆરી પછી શી અને બિડેન વચ્ચે આ ત્રીજી વાતચીત છે. આ પહેલા બંને નેતાઓએ સપ્ટેમ્બરમાં લાંબી ફોન પર વાતચીત કરી હતી. જયારે બંને પોતપોતાના દેશોના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે બંને નેતાઓએ સાથે પ્રવાસ કર્યો છે.

ચીની અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે તાઇવાન વાતચીત માટે તેમનો ટોચનો મુદ્દો હશે. ઉલ્લેખનીય છે કે, ચીની સેનાએ તાઈવાન પાસે ફાઈટર જેટ મોકલ્યા બાદ ત્યાં તણાવ વધી ગયો છે. ચીન સ્વ-શાસિત તાઈવાનને પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદથી અત્યાર સુધી બિડેન જિનપિંગને વર્ચ્યુઅલ રીતે મળ્યા નથી.

(3:11 pm IST)