મુખ્ય સમાચાર
News of Monday, 16th November 2020

વડાપ્રધાને જૈન મુની આચાર્ય વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની 151મી જયંતી સમારોહ પ્રસંગે પ્રતિમાનું અનાવરણ કર્યું

વિશ્વમાં શાંતિ, અહિંસા અને સેવાનું પ્રેરણા સ્ત્રોત બનશે ‘સ્ટેચ્યુ ઓફ પીસ’:નરેન્દ્રભાઈ

જયપુરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આજે સોમવારે જૈન મુની આચાર્ય વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની 151મી જયંતી સમારોહ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલી જિલ્લામાં શાંતિની પ્રતિમાનું અનાવરણ કર્યું. 151 ઈંચ ઊંચી અષ્ટધાતુની પ્રતિમા વિજય વલ્લભ સાધના કેન્દ્ર જૈતપુરામાં સ્થાપિત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ પીસ વિશ્વમા; શાંતિ, અહિંસા અને સેવાનું પ્રેરણા સ્ત્રોત બનશે. વડાપ્રધાને કહ્યું કે, ભારતે હંમેશા સમગ્ર વિશ્વને માનવતા, શાંતિ, અહિંસા અને બંધુત્વનો માર્ગ દર્શાવ્યો છે. આ એ સંદેશ છે જેની પ્રેરણા વિશ્વને ભારતથી મળી છે. આ માર્ગદર્શન માટે દુનિયા આજે ફરી એકવાર ભારત તરફ જોઈ રહી છે.

નરેન્દ્રભાઈએ વધુમાં કહ્યું કે, મારું સૌભગ્ય છે કે મને દેશે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કરવાનો તક આપી હતી. જન્મવર્ષ મહોત્સવના માધ્યમથી જ્યાં એક તરફ ભગવાન શ્રી મહાવીર સ્વામીના અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ જેવા સિદ્ધાંતોને પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ ગુરુ વલ્લભના સંદેશોને પણ જન-જન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

151 ઈંચ ઊંચી અષ્ટધાતુની પ્રતિમા જમીનથી 27 ફુટ ઊંચી છે. તેનું વજન 1300 કિલોગ્રામ છે. આ મૂર્તિનું નામ શાંતિની પ્રતિમા છે. પ્રતિમાના અનાવરણ દરમિયાન ગુરૂદેવના ઘણા ચમત્કારોનું એક પ્રેઝન્ટેશન પણ દર્શાવવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, વલ્લભ સૂરીશ્વરજીનો જન્મ વડોદરામાં વિક્રમ સંવત 1870માં થયો હતો. આઝાદીના સમયે ખાદી સ્વદેશી આંદોલનમાં પણ તેમનું યોગદાન રહ્યું. આચાર્યશ્રી પોતે ખાદી પહેરતા હતા. 1947માં દેશ વિભાજન સમયે આચાર્યજીનો પાકિસ્તાનના ગુજરાવાલામાં ચાતુર્માસ હતો. તે સમયે તમામને હિન્દુસ્તાન માટે મોકલવામાં આવી રહ્યા હતા ત્યારે જૈનાચાર્યએ કહ્યું હતું કે જ્યાં સુધી એક પણ જૈન સાહિત્ય, જૈન મૂર્તિ, જૈન લોકો અસુરક્ષિત છે ત્યાં સુધી તેઓ નહીં જાય.

(1:50 pm IST)