મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

મુંબઇના સેન્ટ્રલ રેલ્વે સ્ટેશને એટીએમની જેમ પિઝાનું વેન્ડિંગ મશીન મુકાયુ

પિઝ્ઝા ખાવા માટે સ્ટોરની લાઇનમાં ઉભવું ન પડે અને જેમ ATM મશીનમાંથી રુપિયા આવે તેમ પિઝ્ઝા તમને મળે તેવું મશીન અત્યાર સુધી તો અમેરિકામાં જ હતું પરંતુ હવે ભારતના આ રેલવે સ્ટેશન પર પણ તમને એકમદ હોટ એન્ડ ટેસ્ટી પિઝ્ઝા મળી રહેશે.

આ પ્રયોગ ભારતીય રેલવે દ્વારા પેસેન્જર્સને જમવા સંબંધિત પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ અને ફ્રેસ અને સ્વચ્છ ભોજનના ભાગરુપે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર GeNX ફૂડ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા પ્રાઇવેટ કંપનીઓની પાર્ટનરશિપ સાથે આ સેવા શરુ કરવામાં આવી છે. ભારતીય રેલવે અનુસાર હવે પેસેન્જર્સને ફ્રેશ અને તાજા ભોજન માટે મુશ્કેલીઓ નહીં ઉઠાવવી પડે.

આ વેન્ડિંગ મશીનમાંથી ફક્ત પિઝ્ઝા જ નહીં પરંતુ ફ્રેંચ ફ્રાઇ, પોપકોર્ન, આઇસક્રીમ, અને ફ્રેશ જ્યૂસ પણ લઇ શકાશે. પિઝ્ઝા મશીનમાં ગ્રાહક પોતાની પસંદના ટોપિંગ સિલેક્ટ કરી શકે છે સાથે જ ગ્રાહક પોતાની આંખોની સામે પિઝ્ઝા બનતા જોઇ શકશે. આ મશીન માત્ર 5 મિનિટમાં પિઝ્ઝા તૈયાર કરી દે છે. 10.5 ઇંચના આ પિઝ્ઝાની કિંમત 180 રૂપિયાથી 250ની વચ્ચે રહેશે. જ્યારે ફ્રેંચ-ફ્રાઇ, આઇસક્રીમ, જ્યુસ અને પોપકોનની કિંમત 50 રુપિયાથી શરુ થઈ 100 રૂપિયા સુધી હશે. IRCTCના એક અધિકારીએ જણાવ્યું કે, આ વેન્ડિંગ મશીન 3Fs એટલે (ફ્રેશ, ફાસ્ટ, ફન)ના સિદ્ધાંત પર કામ કરશે.

તેમજ રેલવે સ્ટેશનો પર આ મશીન સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ઓપન રહેશે. ધીમે ધીમે મુંબઈ અને દેશના બીજા રેલવે સ્ટેશન પર પણ આ પિઝ્ઝા વેન્ડિંગ મશિન રાખવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલને આ ગિફ્ટ 7 નવેમ્બર દિવાળીના દિવસે મળી છે. જેથી અહીં ફ્રેશ ફૂડ મેળવવા માટે ગ્રાહકોને માત્ર એક બટન દબાવવાની જરૂર પડશે અને તેમની પસંદગીની વસ્તુઓ તે લઇ શકશે.

આ વેન્ડિંગ મશીનમાં તમામ વસ્તુઓ કોડિંગ દ્વારા રાખવામાં આવશે. તેની સાથે જ દિવસમાં બે વાર વેન્ડિંગ મશીનમાં ફ્રેશ મીલ પણ રાખવામાં આવશે. એકવાર લંચથી પહેલા અને બીજીવાર ડિનર પહેલા. આ અંગે IRCTCના પ્રવક્તા પિનાકિન મોરવાલાએ કહ્યું કે, ‘આ અમારા દ્વારા પહેલો પ્રયાસ હતો જેની સફળતાને જોતા અમે આગળ ભવિષ્યમાં અન્ય સ્ટેશનો પર પર આ પ્રકારનું મશીન લગાવીશું. આ દરમિયાન ચા, કોફી, આઈસક્રીમ અને પોપકોર્ન માટે પણ મશિન લગાવીશું.’

(4:52 pm IST)