મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

‘મહારાષ્‍ટ્ર અનામત આપી શકે તો ગુજરાત કેમ નહીં?

ત્રીજા મોરચામાં જોડાવાના અહેવાલ પર હાર્દિક કહ્યુ કે, ભાજપ સાથે જોડાવવાનો કે તેના ખોળામાં બેસવાનો મારો કોઇ પ્‍લાન નથી : મારાઠાઓને અનામત પર હાર્દિકની પ્રથમ પ્રતિક્રિયા

નવીદિલ્‍હી, તા.૧૬: મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓ માટે ૧૬્રુ અનામતની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત અપાવવાની ચળવળ વધારે તેજ બની છે. આ મામલે પાસના નેતા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી કે ગુજરાતની ભાજપ સરકાર નથી ઈચ્‍છતી કે પાટીદારોને અનામત મળે. સાથે હાર્દિકે ચૂંટણી પહેલા ત્રીજા મોરચામાં જોડાઈને ભાજપને મદદ કરવાના વહેતા થયેલા અહેવાલો પર પણ પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. ન્‍યૂઝ૧૮ ગુજરાતીના મયુર માંકડિયા સાથે હાર્દિક પટેલે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની રણનીતિ શું હશે તેના પર ખાસ વાતચીત કરી હતી. પ્રસ્‍તુત છે વાતચીતના અંશો.

પાટીદારો અને મરાઠાઓની માંગણીએ એક સરખી જ હતી. મહારાષ્ટ્ર સરકારે ઓબીસી કમિશનને સર્વે કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ ગુજરાતની સરકારે સર્વે કરવાનો પણ આદેશ ન કર્યો. મરાઠાઓને અનામતની જાહેરાત બાદ એ વાત સ્‍પષ્ટ થઈ છે કે મરાઠાઓ ખરેખર પછાત છે. મને ખૂબ દુઃખ થાય છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર હોવા છતાં ગુજરાત ભાજપ સરકારે સર્વેનો આદેશ નથી કર્યો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધારે અંતર નથી. સરકાર સર્વે કરશે તો પાટીદારોને અનામતની જરૂર છે કે નહીં તેની ખબર પડી જશે.

ગુજરાતમાં ગરીબ સવર્ણોને અન્‍યાય થયો છે. ગુજરાતની ઓબીસી કમિશન અને સરકાર બંને ગંભીર નથી. આ વાતનું પરિણામ સરકારે ભોગવ્‍યું છે. મારી માંગણી છે કે મરાઠાની જેમ ગુજરાતમાં પટેલ સમાજનો સર્વે કરવામાં આવે. સરકાર ઇચ્‍છે તો તમામ વર્ગોનો સર્વે કરે. અમને તમામ વર્ગોનો સર્વે થાય તેની સામે કોઈ વાંધો નથી.

હાર્દિકને જયારે પૂછવામાં આવ્‍યું કે લોકો એવો આક્ષેપ કરી રહ્યાં છે કે હાર્દિક અનામતનો મુદ્દો ભૂલી ગયો છે ત્‍યારે તેના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે, દરેક લોકોને પોતાની વાત કહેવાનો અધિકાર છે. અનામતનો મુદ્દો અમારો પ્રાથમિક મુદ્દો છે. જે લોકો મારા પર આક્ષેપ કરી રહ્યા છે તે લોકો અનામત મુદ્દે કંઈ જ નથી બોલી રહ્યા.ઙ્ઘ ગુજરાત બહારના પ્રવાસ અંગે વાતચીત કરતા હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાત બહાર જવું એ મારો વ્‍યક્‍તિગત અધિકાર છે. લોકો એવો આક્ષેપ કરે કે હું દિલ્‍હી, બિહાર, ઉત્તર પ્રદેશ બેંગલુરુ ફરી રહ્યો છું તો શું મારે ગુજરાત બહાર પણ ન જવું?

પાટીદારોને અનામત મળે તે માટે PAAS હવે શું કરશે તેવા પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે, એક વખત મહારાષ્ટ્ર સરકાર અધિકારિક રીતે મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કરી ત્‍યાર બાદ અમે આ અંગે કાયદાકીય રીતે કે સરકારી રીતે જે કંઈ કરવું પડશે તે કરીશું. અમારું આંદોલન ખૂબ જ ધ્‍યેય પૂર્વક આગળ ચાલશે. એક વખત મહારાષ્ટ્ર સરકાર અનામતની જાહેરાત કરશે ત્‍યાર બાદ ગુજરાત સરકારને જવાબ મળી જશે કે મહારાષ્ટ્રમા અનામત આપી શકાય તો ગુજરાતમાં પણ આપી જ શકાય.

ત્રીજા મોરચામાં જોડાઈને ભાજપને મદદ કરવાના અહેવાલ પર હાર્દિક પટેલે કહ્યું કે, હું ભાજપમાં જોડાઈ રહ્યો છું તે વાત સાવ વાહિયાત છે. ભાજપને કોઈ નુકસાન ન જાય તે માટે તેમના જ કાર્યકરો દ્વારા આવા નાટકો કરવામાં આવી રહ્યા છે. મેં ભાજપનું સમર્થન કરવાનો કે તેના ખોળામાં બેસી જવાનો કોઈ નિર્ણય કર્યો નથી. જો હું ભાજપની બી ટીમનો માણસ હોવ તો આજે મારે મકાન માટે ઠેર ઠેર ભટકવું પડતું ન હોત. કારણ કે ભાજપના ડરને કારણે મને કોઈ મકાન પણ નથી આપી રહ્યું.

 

(4:04 pm IST)