મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

પંજાબમાં આંતકીઓ ઘૂસ્યા હોવાની શંકા સચી ઠરીઃ અમૃતસરમાં ખૂંખાર આંતકી જાકિર મૂસા દેખાયો

ગુરૂદાસપુર- દીનાનગરમાં પોસ્ટરો લગાડાયાઃ વાહનોમાં સઘન ચેકીંગ ચાલુઃ આર્મીના બેઝકેમ્પ - એરફોર્સ સ્ટેશનની સુરક્ષા વધારાઈ

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં સક્રિય ખૂંખાર આતંકી જાકિર મૂસાને તેના સાથીઓ સાથે પંજાબથી અમૃતસરમાં જોયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પંજાબ પોલીસની ખાનગી એજન્સીએ ગુરૂવારે એલર્ટ આપ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદના ૬થી ૭ આતંકવાદી પંજાબથી દિલ્હી તરફ આગળ વધીને મોટી ઘટનાને અંજામ આપી શકે છે, ત્યારબાદ રાજયની પોલીસ અને દિલ્હી પોલીસ સતર્ક થઇ ગઇ છે.

પંજાબના પોલીસ મહાનિરીક્ષક કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક પત્ર અનુસાર, જાણકારી મળ્યા પછી પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ પ્રમુખને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સૂચના અનુસાર જૈશ આતંકવાદીઓનું જૂથ ભારતના પંજાબમાં છે અને દિલ્હી તરફ આગળ વધીને મોટું કાવતરા વિશે વિચારી રહ્યું છે. ત્યારબાદ આખા પંજાબમાં એલર્ટ જાહેર કરીને આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી દીધી છે અને બોર્ડર એરિયામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

ગુરદાસપુરના એસએસપી સ્વર્ણદીપ સિંહે જણાવ્યું હતું  કે, ખૂંખાર આતંકી જાકિર મૂસા અને તેના સાથીઓને અમૃતસરમાં જોવામાં આવ્યા છે, ત્યારબાદ ગુરદાસપુર અને દીનાનગર પોલીસ સ્ટેશનમાં પોસ્ટર જાહેર કરી તેમની શોધખોળ આદરી છે અને વાહનોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જયારે ઈન્ટેલિજેન્સ બ્યૂરો તરફથી એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ૭ સભ્યોને પંજાબના ફિરોજપુરમાં દેખાયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. જેથી આખા પંજાબમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે પંજાબના પઠાણકોટ જિલ્લાના માધોપુર વિસ્તારથી ૪ શંકાસ્પદો દ્વારા ગન પોઇન્ટ પર એક ઈનોવા કાર લૂંટી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઇને પંજાબ પોલીસને ચાર શંકાસ્પદોને લઇને સીસીટીવી ફૂટેજ મળ્યા છે, પરંતુ તેમના દ્વારા લૂંટેલી કાર અને તેમના વિશે પુરતી માહિતી હજી સુધી પોલીસની પાસે નથી.

પોલીસનું અનુમાન છે કે, પઠાણકોટ સાથે જોડાયેલા હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં આ શંકાસ્પદો વ્યકિતઓ કાર સાથે છૂપાયેલા હોઇ શકે છે. જેણે લઇને હિમાચલ પ્રદેશમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસ હાલ આ શંકાસ્પદોને પંજાબમાં ઘૂસેલા આતંકીઓ સાથે પણ જોડી રહી છે.

વર્ષ ૨૦૧૬માં પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલામાંથી શીખ લેતા, આર્મીના તમામ બેસ કેમ્પ અને એરફોર્સ સ્ટેશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પંજાબ પોલીસને આ આખા મામલામાં જૂની ઘટનાની મોડસ ઓપરેડેન્સીની શંકા થઇ રહી છે, જેવી રીતે પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર હુમલો દરમિયાન આતંકીઓ દ્વારા કરવામાં આવી હતી.

(3:46 pm IST)