મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

અચાનક હોસ્‍પિટલનો મોટો ખર્ચ આવે તો ચિંતા નહીં, આ કંપની ૦% વ્‍યાજે આપશે લોન...

હોસ્‍પિટલના મોટા બિલ માટે કંપની આપશે ૦% વ્‍યાજે લોનઃ ૨૦,૦૦૦થી રૂ.૨૦,૦૦,૦૦૦ સુધીની લોન, હાલ ફક્‍ત બજાજ ફાઇનાન્‍સ આપે છે આવી લોન, નથી કોઈ હીડન ચાર્જ

મુંબઇ, તા.૧૬: આપણે ત્‍યાં એક કહેવત છે કે ખાટલો ક્‍યારેય કહીને નથી આવતો. ખાટલો એટલે હોસ્‍પિટલમાં રહેવું પડે તેવી બીમારી, આજની મોંઘવારીમાં જયાં સામાન્‍ય માણસ માંડ કરીને ભેગું કરતો હોય છે ત્‍યારે હોસ્‍પિટલનો ખર્ચ અચાનક આવી પડે તો વ્‍યક્‍તિ આર્થિક રીતે ભાંગી જાય છે. આવા સમયે હોસ્‍પિટલમાં જ તમને કોઈ વગર વ્‍યાજની લોન આપે તો તમને મોટી રાહમ મળી શકે છે. ખાસ હોસ્‍પિટલ માટેની આ લોન લેવાની સમગ્ર કામગીરી માત્ર ૧૨ કલાકમાં પૂરી થાય છે અને હોસ્‍પિટલમાં બેઠા બેઠા જ તમને લોન મળી જાય છે અને તે પણ ૦% વ્‍યાજ સાથે.

હોસ્‍પિટલમાં દર્દીઓને આ લોનની સગવડ આપતું એક નવું સ્‍ટાર્ટઅપ ઓપન થયું છે. જેનું નામ છે LetsMD આ સ્‍ટાર્ટઅપ ખૂબ જ સામાન્‍ય શરતો સાથે હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓને લોન આપે છે. આ કંપનીના ફાઉન્‍ડર અને CEO નિવેશ ખંડેલવાલ છે. આ કંપની મેડિકલ ઇમર્જન્‍સીમાં રુ. ૨૦ હજારથી લઈને ૨૦ લાખ સુધીની લોન આપે છે. જોકે લોન દેવા માટે કંપની એ જ શરતો રાખે છે જે સામાન્‍ય બેંકની હોય છે. એટલે કે તમે કેટલી લોન ભરી શકશો તેના આધારે કંપની નક્કી કરે છે કે તમને કેટલી લોન આપવી જોઈએ. જે તમારી આવકના આધારે નક્કી થાય છે.

હાલ માર્કેટમાં બજાજ ફાઇનાન્‍સ જ એક એવી કંપની છે જે આ પ્રકારની લોન આપે છે. જોકે આ LetsMD પૂર્ણરુપે ફક્‍ત મેડિકલ લોન આપનાર કંપની છે જેના કારણે તેનો વ્‍યવસાય પણ ખૂબ ઝડપથી વધઈ રહ્યો છે. કંપનીના જણાવ્‍યા મુજબ અત્‍યાર સુધીમાં તેમણે ૨૦૦૦ દર્દીઓને લોન આપી છે. કંપની ચાલુ નાણાંકીય વર્ષમાં ૨૦૦૦૦ દર્દીઓને આ લોન આપવા માગે છે.

કંપનીના જણાવ્‍યા મુજબ લોન લેવા માટે શરતો ખૂબ જ સહેલી છે. આ માટે લોન લેનારની મંથલી સેલેરી રૂ. ૧૫૦૦૦થી વધુ હોવી જોઈએ. તેમજ તેમની પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવા જોઈએ. તમારે સેલેરી સ્‍લિપ અને બેંક સ્‍ટેટમેન્‍ટ પણ દેખાડવા પડશે. જે બાદ તમારી ક્રેડિટ હિસ્‍ટ્રી સારી હોય તો તમને લોન મળી શકે છે.

કંપનીના જણાવ્‍યા મુજબ તેઓ પૂર્ણ ૦% સાથે લોન આપે છે જેનો અર્થ છે કે બીજા કોઇપણ જાતનો ચાર્જ વસૂલતા નથી. દર્દી પાસેથી તો કોઈ વ્‍યાજ લેવામાં નથી આવતું પરંતુ હોસ્‍પિટલ પાસેથી જરૂર એક નિતિ કમિશન લેવામાં આવે છે. આજ કંપનીની કમાણીનું બિઝનેસ મોડેલ છે. આ બિઝનેસ મોડેલના આધારે જ નેશનલ અને ઇન્‍ટરનેશનલ ફંડિંગ એજન્‍સીઝે આ સ્‍ટાર્ટઅપને ફંડ આપ્‍યું છે.

(3:37 pm IST)