મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

તામિલનાડુમાં વાવાઝોડાનું તાંડવ : ભારે તારાજી

ગાઝાએ કાઢયા ગાભા ર૦ના મોત

ચક્રવાતી તોફાન 'ગાઝા'એ મચાવી તારાજી અને તબાહી : ૧૨૦ કિમીની ઝડપે ફુંકાયો પવન : કાચા મકાનોનો કડુસલો : વીજ થાંભલા - વૃક્ષોનો સોંથ વળી ગયો : ઠેરઠેર ભારે વરસાદ

ચેન્નાઇ તા. ૧૬ : મોસમ વિભાગના જણાવ્યા મુજબ ગાઝા વાવાઝોડાનો કહેર નાગપટ્ટીનમ અને વેદારનિયમ વચ્ચે પશ્ચિમ અને દક્ષિણ - પશ્ચિમ કિનારાને પાર કરીને આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડુ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ત્યારબાદ આવતા ૬ કલાકમાં ધીમે-ધીમે નબળુ પડવા લાગશે. તામિલનાડુમાં ગાઝા વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ૨૦ના મોત થયા છે. સીએમે મૃતકોને ૧૦ - ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની ઘોષણા કરી છે. જે વિસ્તારોમાં તોફાન પસાર થશે ત્યાં શાળા - કોલેજ બંધ રહેશે. રાજ્ય સરકારે જાણકારી આપી કે, સુરક્ષા ધ્યાનમાં રાખીને ૮૧ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. નાગપટ્ટીનમ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૩૧૩ લોકોને રાહત સ્થળે મોકલવામાં આવ્યા છે અને નીચલા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે.

ચક્રવાતી વાવાઝોડું 'ગાઝા'આજે વહેલી સવારે તામિલનાડુના કાંઠે ત્રાટકયું હતું. એ વખતે પવનની ગતિ ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની હતી.

નાગપટ્ટીનમ, તિરૂવારૂર, પુડુકોટ્ટાઈ જિલ્લાઓમાં વાવાઝોડાને કારણે અનેક ઝાડ ઉખડી ગયા છે અને ઘણા કાચા ઘરોને નુકસાન પહોંચ્યું છે.

સ્થળાંતર કરાયેલા લોકોને નાગપટ્ટીનમ, પુડુકોટ્ટાઈ, રામનાથપુરમ અને તિરુવારુર સહિત છ જિલ્લાઓમાં ઊભાં કરવામાં આવેલા ૩૦૦થી વધુ રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે.

નાગપટ્ટીનમ, તિરૂવારૂર, થાંજાવુર, પુડુકોટ્ટાઈ, ત્રિચી, આરિયાલુર, મદુરાઈ, થેની જિલ્લાઓમાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

(2:51 pm IST)