મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

CBI V/S CBI : સુપ્રિમ કોર્ટ તરફથી આલોક વર્માને હજુ કલીનચીટ નહિ : વધુ તપાસની જરૂર ઉપર ભાર

CBI વિવાદ પર હવે મંગળવારે ફેંસલો : કોર્ટે આલોક વર્મા પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હી તા. ૧૬ : દેશની સૌથી મોટી તપાસ એજન્સીમાં ચાલી રહેલા આંતરિક ઝઘડાની આજે એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. ગત સુનાવણીમાં કેન્દ્રિય સતર્કતા આયોગે કોર્ટે ૨ સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી આગામી તારીખ માટે ટાળી દીધી હતી.

શુક્રવારે આ મામલામાં આગળની સુનાવણી શરૂ થઇ ત્યારે કેન્દ્રિય સતર્કતા આયોગ (CVC) બાદ જસ્ટિસ પટનાયકે પણ પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. મુખ્ય જજે કહ્યું કે, સીવીસીએ દસ્તાવેજ સાથે પૂર્ણ રિપોર્ટ સોંપ્યો છે. જો કે, રિપોર્ટનો મામલો ખુબ ગૂંચવણ ભરેલો છે, તેમાં અમુક બીજા આરોપોની તપાસની જરૂરત લાગી રહી છે.

મુખ્ય જજે કહ્યું કે, જો કેન્દ્ર સરકારને કોઇ મુશ્કેલી ન હોય તો અમે આલોક વર્માના વકીલનો રિપોર્ટની સીલબંધ કોપી આપીશું. તમારે પણ સીલબંધ કવરમાં જવાબ આપવો પડશે. જો કે, કોર્ટે આસ્થાનાના રિપોર્ટની કોપી નહીં આપવાનો આદેશ કર્યો છે. કોર્ટ હવે ૨૦ નવેમ્બર સુધી આગામી સુનાવણી ટાળી દીધી છે.

અગાઉ કોર્ટના આદેશ બાદ કેન્દ્રિય સતર્કતા આયોગે (CVC) ૧૨ નવેમ્બરે આ મામલામાં સુપ્રીમ કોર્ટને પોતાની તપાસનો રિપોર્ટ સોંપ્યો હતો. CVCએ કુલ ૨ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યા હતા. આ સિવાય સીબીઆઈના ડીએસપી એકે બસ્સીની અરજી ઉપર પણ આજે સુનાવણી થઇ શકે છે. બસ્સીએ રાકેશ અસ્થાના વિરુદ્ઘ આરોપોની તપાસ કરી હતી, ત્યારબાદ સીબીઆઈ નિદેશક નાગેશ્વર રાવે પોર્ટ બ્લેયર ટ્રાન્સફર કરી દીધો હતો. તેમણે તેમના ટ્રાન્સફર વિરુદ્ઘ અરજી કરી છે.

સીવીસી તરફથી કોર્ટમાં જે બે રિપોર્ટ સોંપવામાં આવ્યા છે, તેમાં મામલાની તપાસનો રિપોર્ટ અને નાગેશ્વર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની યાદી છે. રજાઓ ઉપર મોકલવામાં આવેલા ડાયરેકટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાના કેન્દ્રિય સતર્કતા આયોગ CVC સમક્ષ રજૂ થઇ ચૂકયા છે. સીવીસીએ આલોક વર્મા મામલામાં જે પણ તપાસ કરી છે, તેને લઇને રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપ્યો છે. સીબીઆઈની આ તપાસ કમિટીની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એકે પટનાયકે કરી હતી.

રિશ્વતખોરી વિવાદમાં સીબીઆઈ પ્રમુખ આલોક વર્મા અને તપાસ એજન્સીમાં નંબર બે રાકેશ અસ્થાનાને ૨૩ ઓકટોબરે રજાઓ ઉપર મોકલી દેવામાં આવ્યા હતા. બન્ને જણાએ આ નિર્ણય વિરુદ્ઘ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સીબીઆઈના નિદેશક આલોક વર્મા અને વિશેષ નિદેશક રાકેશ અસ્થાનાને કેન્દ્રિય સતર્કતા કમિશ્નર કેવી ચૌધરીની આગેવાનીમાં બનેલી સમિતિ સમત્ર એક-બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અને પોતાની જાતનો બચાવ કર્યો હતો.

(2:50 pm IST)