મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

આજે ફરી ખુલશે સબરીમાલા મંદિરના કપાટઃ તૃપ્‍તિ દેસાઈ પહોંચતા હોબાળોઃ કેરળના ૫ જિલ્લાઓમાં ૧૪૪મી કલમ લાગુઃ ભારે ટેન્‍શન

સામાજિક કાર્યકર્તા તૃપ્‍તિ દેસાઈને પૂણેથી કોચી પહોંચતા એરપોર્ટ પર વિરોધનો સામનો કરવો પડયોઃ એરપોર્ટ પર ગોંધી રખાયા : તૃપ્‍તિ દેસાઈને પાછા ચાલ્‍યા જવા દેખાવકારો જણાવી રહ્યા છેઃ એરપોર્ટની બહાર પણ લોકોની ભીડઃ ભારે નારેબાજી

કોચી, તા. ૧૬ :  સબરીમાલા મંદિર અંગે જારી વિવાદ અટકાવાનું નામ નથી લેતો. આ દરમિયાન આજથી બે મહિના માટે આ મંદિરના કપાટ ખોલવામાં આવી રહ્યા છે. દરમિયાન સામાજિક કાર્યકર્તા તૃપ્‍તિ દેસાઈ મંદિરમા દર્શન કરવા માટે અહીંના એરપોર્ટે આવી પહોંચ્‍યા છે પરંતુ તેમને એરપોર્ટની બહાર પોલીસ જવા દેતી નથી. તૃપ્તિ દેસાઈ અને તેના છ સાથીઓ એરપોર્ટ પર અટવાયા છે. કેરળ સરકારે કોર્ટના ફેંસલા પર આમ સહમતી માટે પ્રયાસો કર્યા છે પરંતુ વિપક્ષ રાજી નથી. તૃપ્‍તિ દેસાઈનો વિરોધ થઈ રહ્યો છે. મોટી સંખ્‍યામાં પુરૂષ અને મહિલાઓ એરપોર્ટ એરાઈવલ લોન્‍જમાં તૃપ્‍તિ દેસાઈ વિરૂદ્ધ નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન કોઈ અઘટીત ઘટના ન બને તે માટે કેરળના પાંચ જિલ્લાઓમાં ૧૪૪મી કલમ લાદી દેવામાં આવી છે.

આજે સાંજે ૫ વાગ્‍યે મંદિરના કપાટ ખુલી રહ્યા છે. ઓટો ચાલકોએ તૃપ્‍તિ દેસાઈને મંદિર સુધી લઈ જવાની ના પાડી છે. સુપ્રિમ કોર્ટના ૨૮ સપ્‍ટેમ્‍બરના આદેશ બાદ મંદિરના દ્વારા ત્રીજી વખત આજે સાંજે ખુલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ફેંસલા છતા કોઈપણ મહિલા શ્રધ્‍ધાળુ અને કાર્યકર્તાના વિરોધને કારણે મંદિરમાં હજુ સુધી જઈ શકયા નથી.

કોચી એરપોર્ટ પર અનેક લોકોએ તૃપ્‍તિ દેસાઈને અનુરોધ કર્યો છે કે તેઓ પરંપરાનું પાલન કરે અને ભગવાન અયપ્‍પાના લાખો ભકતોની ભાવનાઓને દુઃખ ન પહોંચાડે. તૃપ્‍તિ દેસાઈએ મંદિરમાં જવાની હઠ પકડી છે. તેમણે સુરક્ષા પણ માંગી છે. તેમનુ કહેવુ છે કે અમને અનેક પ્રકારની ધમકીઓ મળી છે પરંતુ અમે મંદિરમાં જશુ. તૃપ્‍તિ દેસાઈએ કહ્યુ છે કે જો મારા પર હુમલો થશે તો કેરળના મુખ્‍યમંત્રી અને ડીજીપી જવાબદાર રહેશે.

દેખાવકારોનુ કહેવુ છે કે તૃપ્‍તિ દેસાઈ મંદિરમાં દર્શન કરવા નથી આવી પરંતુ મંદિરમા એન્‍ટ્રી કરી ત્‍યાંની શાંતિ ડહોળવા અને શ્રધ્‍ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચાડવા આવી છે. અત્રે નોંધનીય છે કે તૃપ્‍તિ દેસાઈ ઘણા સમયથી સ્‍ત્રીઓને મંદિરોમાં ભેદભાવનો સામનો કરવો પડે છે તે સામે લડત ચલાવી રહી છે.

(11:01 am IST)