મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

માઓવાદીઓએ રચ્‍યુ'તુ મોદીની હત્‍યા-દેશમાં ગૃહયુદ્ધ છેડવાનું ષડયંત્ર

પૂણે પોલીસે યલગાર પરિષદ મામલામાં દાખલ કર્યુ ૫૦૦૦થી વધુ પાનાનું સનસનીખેજ ચાર્જશીટઃ ગૃહયુદ્ધ ભડકાવવા ઘાતક શસ્‍ત્રો મેળવવાની પણ ખોફનાક યોજના હતી : પોલીસે ૫ માઓવાદીઓ સહિત કુલ ૧૦ આરોપીઓ વિરૂદ્ધ ભીમા કોરેગાંવમાં યલગાર પરિષદનું આયોજન કરવાનો આરોપ મુકયોઃ આ પરિષદ બાદ મહારાષ્‍ટ્રમાં હિંસા ભડકી હતીઃ માઓવાદીઓ દેશમાં લોકતંત્રને ઉખાડીને ફેંકી દેવાની દિશામાં લગાતાર કામ કરતા હતા

પૂણે, તા. ૧૬ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની હત્‍યાનું ષડયંત્ર રચવાવાળા કેટલાક માઓવાદીઓ વિરૂદ્ધ પૂણે પોલીસે એક ચાર્જશીટ દાખલ કર્યુ છે. ચાર્જશીટ અનુસાર માઓવાદીઓએ મોદીની હત્‍યા ઉપરાંત દેશ વિરૂદ્ધ ગૃહયુદ્ધ ભડકાવવા માટે હથિયારોની ખરીદી કરવાનું પણ ષડયંત્ર રચ્‍યુ હતું.

પોલીસની ચાર્જશીટમાં એવો પણ દાવો કરવામાં આવ્‍યો છે કે પૂણેમાં ગયા વર્ષે ડીસેમ્‍બરમાં યલગાર પરિષદ સંમેલનનું આયોજન અને દલિતોના ધૃવીકરણ તથા તેમના ભડકાવવાના પ્રયાસો આ રણનીતિનો એક હિસ્‍સો હતો. ચાર્જશીટમાં જણાવાયુ છે કે માઓવાદ સમર્થિત સંમેલને ૧ લી જાન્‍યુઆરીના રોજ ભીમા કોરેગાંવમાં હિંસાને પ્રોત્‍સાહન આપ્‍યુ હતું. ૫૦૦૦થી વધુ પાનાની ચાર્જશીટમાં સુરેન્‍દ્ર ગાડલીંગ, મહેશ રાઉત, શોમા સેન, રોના વિલ્‍સન અને સુધીર ધાવલે સહિત ૧૦ લોકોના નામ છે. પાંચ લોકોની ૬ જૂને ધરપકડ કરવામાં આવી હતી.

માનવામાં આવે છે કે આ પાંચ નામો ઉપરાંત અન્‍ય માઓવાદી નેતા દિપક ઉર્ફે મિલીંદ તેલતુબાડે, કિશન ઉર્ફે પ્રશાંત બોસ, પ્રકાશ ઉર્ફે રીતુપર્ણા ગોસ્‍વામી, દીપુ અને મંગલુ ભૂગર્ભમાં છે. ચાર્જશીટમાં જણાવાયુ છે કે રોના વિલ્‍સન અને ભાગેડુ કિશનદાએ વડાપ્રધાનની હત્‍યાનું ષડયંત્ર રચ્‍યુ હતું. મોદીની હત્‍યાનું ષડયંત્રનો દાવો કરતા પોલીસે માઓવાદીઓના ઠેકાણો પરથી કેટલાક દસ્‍તાવેજો જપ્‍ત કર્યા છે. તેઓ દેશમાં ગૃહયુદ્ધની પરિસ્‍થિતિ ભડકાવવા માટે હથીયારોનો જથ્‍થો મેળવવાની વેતરણમાં હતા. માઓવાદી દેશમાં લોકતંત્રને ઉખાડીને ફેંકી દેવાની દિશામાં કામ કરતા હતા.

ચાર્જશીટમાં જણાવાયુ છે કે માઓવાદીઓની રણનીતિ હતી કે, આ બધાએ યલગાર પરિષદ આયોજીત કરી એવો સંદેશ આપે જેનાથી ૧લી જાન્‍યુઆરી ૨૦૧૮ના રોજ મહારાષ્‍ટ્રના ભીમા કોરેગાંવ સહિત ૩ દિવસ સુધી સમગ્ર રાજ્‍યમાં હિંસાનું વાતાવરણ રહે. તપાસ અધિકારી પવારન કહેવા મુજબ અમારી તપાસમાં સ્‍પષ્‍ટ થયુ છે કે યલગાર પરિષદ અને તે પહેલા ચલાવવામાં આવેલા અભિયાનના કારણે જ ભીમા કોરેગાંવમાં કોમવાદી હિંસા ભડકી હતી. પૂણે પોલીસે રોના વિલ્‍સન અને રીતુપર્ણ ગોસ્‍વામી વચ્‍ચે લખાયેલો એક પત્ર પણ જપ્‍ત કર્યો છે. જેમા એ બાબતનો ખુલાસો છે કે, અન્‍ય આરોપી મહેશ રાવતે મુંબઈની ટાટા ઈન્‍સ્‍ટીટયુટ ઓફ સોશ્‍યલ સાયન્‍સના બે વિદ્યાર્થીઓને માઓવાદી સંગઠનમાં સામેલ કર્યા અને પછી તેને ટ્રેનીંગ માટે જંગલમાં ગેરીલા ઝોનમાં મોકલ્‍યા હતા. પોલીસનો દાવો છે કે, આ લોકો માઓવાદીઓના એ મોટા ષડયંત્રનો હિસ્‍સો છે જે હેઠળ એક એન્‍ટી ફાસીષ્‍ટ ફ્રન્‍ટ બનાવવા અને સરકારને ઉખાડીને ફેંકી દેવાનું ષડયંત્ર રચાયુ હતું.

(10:59 am IST)