મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

બીડ જિલ્લા કોર્ટ દ્વારા કિશોરીને

આંખ મારવા બદલ ૩ વર્ષની સજા

મરાઠવાડા તા. ૧૬ : રાજસ્‍થાનના મરાઠવાડાના બીડ જિલ્લામાં આંખ મારવા બદલ આરોપીને જિલ્લા કોર્ટ દ્વારા ૩ વર્ષની સજા ફટકારવામાં આવી છે. બીડ જિલ્લાની રાયમોહા સડક પર ૨૦ એપ્રિલ, ૨૦૧૭ના રોજ એક ૧૬ વર્ષની કિશોરી ચાલતી જઈ રહી હતી. આ કિશોરીનો ટાકલગાંવના એક વ્‍યક્‍તિ પુરૂષોત્તમ જ્ઞાનદેવ વીર (૨૪ વર્ષ) નામની વ્‍યક્‍તિએ પીછો કર્યો હતો અને પછી એ કિશોરીને એકીટસે જોવા લાગ્‍યો હતો તથા ત્‍યાર બાદ કિશોરીને આંખ મારી હતી.

બીડ જિલ્લાના પાટોદા પોલીસ સ્‍ટેશનમાં કિશોરીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના અંતર્ગત પુરુષોત્તમ જ્ઞાનદેવ વીર સામે પોલીસે કેસ દાખલ કર્યો હતો. પોલીસે છેડતી અંગેની આઈપીસીની કલમ ૩૫૪(બી) અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. આ અંગે પોલીસે તપાસ કરીને બીડ જિલ્લા કોર્ટમાં પુરાવા સાથે કેસ દાખલ કર્યો હતો. જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ પ્રાચી કુલકર્ણીની કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી, જેમાં ૭ વ્‍યક્‍તિએ સાક્ષી તરીકે જુબાની આપી હતી.

સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે આરોપીને ૩ વર્ષની જેલ અને રૂ.૫૦૦નો દંડ ફટકાર્યો છે. જો રૂ.૫૦૦ દંડ ન ભરવામાં આવે તો વધુ એક મહિનો જેલમાં કાપવાનો રહેશે. સરકારી મદદનીશ વકીલ સંગીતા ધસેએ આ અંગે જણાવ્‍યું કે, આંખ મારવાના કેસમાં ૩ વર્ષની જેલની સજા દેશની પ્રથમ ઘટના હશે. તેનાથી મહિલાઓની છેડતી કરનારા લોકોને બોધપાઠ મળશે.

(10:48 am IST)