મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

જમાલ ખશોગી હત્યા કેસમાં પાંચને મૃત્યુદંડ કરાઈ શકે છે

ક્રાઉન પ્રિન્સને ક્લિનચીટ આપી દેવામાં આવીઃ સાઉદી અરેબિયા પર તપાસને લઇ આંતરરાષ્ટ્રીય દબાણ

રિયાદ, તા. ૧૫: પત્રકાર જમાલ ખશોગીની હત્યાના મામલામાં સાઉદીના પાંચ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઇસ્તાનબુલ સ્થિત સાઉદીના વાણિજ્ય દૂતાવાસની અંદર ખશોગીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ક્લીનચીટ આપી દીધી છે પરંતુ અન્ય પાંચ અધિકારીઓને મૃત્યુદંડની સજા કરવામાં આવે તેવી શક્યતા છે. આ જાહેરાત ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ખશોગીની હત્યાને લઇને દુનિયાના અનેક દેશો સાઉદી ઉપર દબાણ લાવી રહ્યા છે. હત્યાના મામલામાં કુલ ૨૧ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. તુર્કી દ્વારા હત્યાના મામલામાં આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. બીજી વખત મોટુ રાજકીય સંકટ સર્જાઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખસોગીના સંદર્ભમાં વધુ એક ચોંકાવનારો  ખુલાસો થયો હતો. તુર્કીના અખબારે આજે એક અહેવાલ પ્રકાશિત કરીને કહ્યું હતું કે ખસોગીના હત્યારાઓએ તેમની હત્યા કર્યા બાદ તેમના અવશેષોને તેજાબમાં સળગાવીને ડ્રેનમાં ફેંકી દીધા હતા. સરકારી અખબારના કહેવા મુજબ કોઈના નામનો ઉલ્લેખ કર્યા વગર કહેવામાં આવ્યું હતું કે ઈસ્તાનબુલના સાઉદી દૂતાવાસના ડ્રેનમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં આ અંગેની વિગત સપાટી ઉપર આવી છે. અત્રે નોંધનિય છે કે ખસોગીને છેલ્લી વખતે બીજી ઓકટોબરના દિવસે પોતાના લગ્ન સાથે સંબંધિત દસ્તાવેજો માટે સાઉદી દૂતાવાસમાં જતા જોવામાં આવ્યા હતા. ત્યારબાદથી તેમનો મૃતદેહ મળ્યો નથી. ખસોગીની હત્યાથી અનેક વખત ઈનકાર કર્યા બાદ સાઉદી અરેબિયાએ આખરે આ વાતને સ્વીકારી હતી કે તેમની હત્યા થઈ ગઈ છે.

(9:54 am IST)