મુખ્ય સમાચાર
News of Monday, 16th October 2023

સોનાની દાણચોરીનું કૌભાંડ

૫૯ કિલો સોનુ, કરોડો રૂપિયા અને વિદેશી કરન્‍સી જપ્‍ત : ૫ આફ્રીકી સહિત ૨૫ની ધરપકડ

ડીઆરઆઇનો મુંબઇ, નાગપુર, ચેન્‍નાઇ, ત્રીચી, વારાણસીમાં સપાટો

નવી દિલ્‍હી, તા.૧૬: ડિરેક્‍ટોરેટ ઓફ રેવન્‍યુ ઈન્‍ટેલિજન્‍સ એટલે કે ડીઆરઆઈને મોટી સફળતા મળી છે. ડીઆરઆઈએ ત્રણ અલગ-અલગ કાર્યવાહી હાથ ધરીને ૫ આફ્રિકન નાગરિકો સહિત ૨૫ આરોપીઓની ધરપકડ કરી છે અને સોનું, ડૉલર અને ભારતીય ચલણ જપ્ત કર્યું છે. ડીઆરઆઈએ ચેન્નાઈ, ત્રિચી, મુંબઈ, નાગપુર અને વારાણસીમાં આ કામગીરી હાથ ધરી હતી. આ ગેંગ રોડ, હવાઈ અને દરિયાઈ માર્ગે ભારતમાં સોનાની દાણચોરી કરતી હતી અને તેને ઓગાળીને જ્‍વેલર્સને વેચીને નફો કમાતી હતી.

સૌથી પહેલા ડીઆરઆઈની ચેન્નાઈ અને ત્રિચી ટીમે ૮ આરોપીઓની ધરપકડ કરી હતી અને ૧૫ કરોડની કિંમતનું ૨૫ કિલો સોનું જપ્ત કર્યું હતું. આ સાથે ૫૬.૩ લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી.

ડીઆરઆઈની ચેન્નાઈની ટીમને માહિતી મળી હતી કે કેટલાક સોનાના દાણચોરો શ્રીલંકાથી તમિલનાડુના નાગાપટ્ટિનમ વિસ્‍તારમાં પાણીના માર્ગે સોનું લાવ્‍યા છે અને તેને રોડ માર્ગે ચેન્નાઈ લઈ જઈ રહ્યા છે. આ માહિતી પછી એજન્‍સીએ મદ્રાસ હાઈકોર્ટની સામે કારમાં સોનું પહોંચાડી રહેલા બે લોકોને પકડ્‍યા.

બંને પાસેથી ૧૧.૭૯૪ કિલો સોનું અને ૨.૩ લાખ રૂપિયા રોકડા મળી આવ્‍યા હતા. બંનેની પૂછપરછ કર્યા બાદ જે વ્‍યક્‍તિએ સોનું પીગળીને જ્‍વેલરને વેચ્‍યું હતું તેની જગ્‍યા પર દરોડો પાડીને ૩.૩ કિલો સોનું જપ્ત કરવામાં આવ્‍યું હતું. ત્‍યાંથી ૫૪ લાખ રૂપિયા પણ મળી આવ્‍યા હતા.

આવી જ કામગીરી હાથ ધરીને ડીઆરઆઈએ ત્રિચીમાં ૭.૫૫ કિલો સોના સાથે બે લોકોની ધરપકડ પણ કરી હતી, જેને કારમાં છુપાવીને ચેન્નાઈ લઈ જવામાં આવી રહી હતી. આ સોનાની દાણચોરી શ્રીલંકાથી દરિયાઈ માર્ગે ભારતમાં પણ કરવામાં આવી હતી.

આ સિવાય ટીમે ચેન્નાઈ એરપોર્ટ પર મલેશિયાથી સોનાની દાણચોરી કરતા બે લોકોને પકડ્‍યા હતા. બંને આરોપીઓએ સોનું ઓગાળીને પોતાના આંતરવષાોમાં સંતાડી દીધું હતું. બંને પાસેથી ૧.૭૩ કરોડની કિંમતનું ૨.૯૭ કિલો સોનું મળી આવ્‍યું હતું.

આ સિવાય મુંબઈમાં ડીઆરઆઈની ટીમે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને ૨.૧ કિલો સોનું, ૩.૬૨ કરોડ રૂપિયાનું વિદેશી ચલણ અને ૨.૯૫ કરોડ રૂપિયાનું ભારતીય ચલણ જપ્ત કર્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ચાર આફ્રિકન મહિલાઓનો સમાવેશ થાય છે. એજન્‍સી અનુસાર, કેન્‍યા અને તાન્‍ઝાનિયાની મહિલાઓ ભારતમાં સોનાની દાણચોરી કરતી હતી અને તેને જ્‍વેલર્સને વેચતી હતી.

આ માહિતી બાદ એજન્‍સીએ મુંબઈમાં એક જ્‍વેલરી શોપ પર દરોડા પાડીને ૨.૧ કિલો સોનું જપ્ત કર્યું હતું. આરોપીઓ પાસેથી ૮૪.૧૫ લાખ રૂપિયાની વિદેશી ચલણ અને ૨.૩૨ કરોડ રૂપિયાની ભારતીય ચલણ પણ મળી આવી હતી. તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્‍યું હતું કે આ આફ્રિકન મહિલાઓ સોનાની દાણચોરી કરીને ભારતમાં લાવતી હતી.

આ માહિતી બાદ એજન્‍સીએ દક્ષિણ મુંબઈની બે હોટલ પર દરોડા પાડ્‍યા જ્‍યાંથી આ મહિલાઓ પોતાનું નેટવર્ક ચલાવતી હતી. દરોડા દરમિયાન, આ આરોપી મહિલાઓ પાસેથી ૨.૭૮ કરોડ રૂપિયાની વિદેશી ચલણ અને ૬૩.૦૭ લાખ રૂપિયાની ભારતીય ચલણ મળી આવી હતી, જે સોનું વેચીને કમાઈ હતી.

(4:59 pm IST)