મુખ્ય સમાચાર
News of Saturday, 16th October 2021

કાશ્મીરમાં વધુ બે સૈનિકો શહીદ: છેલ્લા 6 દિવસથી ચાલતા એન્કાઉન્ટરમાં 9 સૈનિકોએ બલિદાન આપ્યું

એન્કાઉન્ટર પૂંછના સુરનકોટ જંગલમાં શરૂ થયું બાદમાં રાજૌરીના થાનમંડીથી પૂંછમાં મેંધર સુધી ફેલાયું

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના રાજૌરી-પૂંછ જિલ્લાઓની સરહદ પર ગાઢ જંગલમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં વધુ  બે સૈનિકો શહીદ થયા છે. શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન જેસીઓ સહિત બે સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ 6 દિવસના એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 9 સૈનિકોએ બલિદાન આપ્યું છે, જેમાં 2 જેસીઓ પણ સામેલ છે.

આ એન્કાઉન્ટર સોમવારે પૂંછના સુરનકોટ જંગલમાં શરૂ થયું હતું, જે બાદમાં રાજૌરીના થાનમંડીથી પૂંછમાં મેંધર સુધી ફેલાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, મેન્ધરના નાર ખાસ જંગલમાં એક જેસીઓ અને એક સૈનિકના મૃતદેહ મળી આવ્યા છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે જેસીઓ અજય સિંહ અને નાઇક હરેન્દ્ર સિંહ ગુરુવારે શરૂ કરાયેલા સર્ચ ઓપરેશનનો ભાગ હતા.

પ્રવક્તાએ કહ્યું કે આતંકવાદીઓ સાથે ફાયરિંગના ઉગ્ર આદાન -પ્રદાન વચ્ચે બંને સૈનિકોનો સંપર્ક તૂટી ગયો હતો. અગાઉ 11 ઓક્ટોબરે JCO સહિત 5 સૈનિકો માર્યા ગયા હતા. તે જ દિવસે રાજૌરીના થાનમંડી જંગલમાં પણ ગોળીબાર થયો હતો. રાજૌરી-પૂંછ રેન્જના ડીઆઈજી વિવેક ગુપ્તાએ જણાવ્યું હતું કે આ આતંકીઓની જંગલમાં અઢી મહિનાથી હાજર હતા, તેમને ખતમ કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ વિસ્તાર ડુંગરાળ અને ગીચ જંગલ છે, જેના કારણે કામગીરી મુશ્કેલ અને ખતરનાક બની છે.

(9:47 pm IST)