મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

દિલ્હીમાં જોવાલાયક સ્‍થળમાં વધુ અેક નામનો ઉમેરોઃ સ્‍કાયવોકનું નિર્માણ

નછી દિલ્હીઃ દિલ્હી દેશની રાજધાની હોવાની સાથોસાથ એક ટુરિસ્ટ પ્લેસ પણ છે. શહેરના અનેક ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવા માટે દરરોજ હજારો લોકો આવે છે. દિલ્હીના જોવા લાયક સ્થળમાં વધુ એક નામનો ઉમેરો થયો છે, દિલ્હીમાં તૈયાર થયેલા સ્કાયવૉક પરથી શહેરનો નઝારો માણી શકાય છે. મુસાફરોની સુરક્ષા અને પદયાત્રીઓ માટે સ્કાયવૉક મહત્ત્વનો બની રહેશે.

ક્યા વિસ્તારમાં છે ?

દિલ્હીના રસ્તાઓ પર વધતી જતી વાહનોની સંખ્યાથી પગપાળા જતા લોકો માટે સમસ્યા ઊભી થઈ છે. હાલત વણસતા પગપાળા જતા લોકો માટે એક જોખમ ઊભુ થયું છે. એવામાં સ્કાયવૉક એક મહત્ત્વનું માધ્યમ બની રહેશે અને સમસ્યામાંથી છૂટકારો મળશે. સેન્ટ્રલ દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં પદયાત્રીઓ માટે સ્કાયવૉક ટ્રાફિકની મુશ્કેલીમાંથી મુક્તિ આપશે.

ક્યાંથી ક્યાં સુધી?

આઈટીઓ વિસ્તારમાં આવેલા સ્કાયવૉક વિસ્તારમાં કામ કરતા લોકો માટે ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને હવે વિસ્તારમાં રસ્તો ક્રોસ કરવા માટે પૂરતી સુરક્ષા મળી રહેશે. સ્કાયવૉક પરથી સરળતાથી રોડક્રોસ કરી શકાશે. કારણ કે વિસ્તારમાં ભારે ટ્રાફિક રહે છે. ઓછામાં ઓછા ત્રીસ હજાર લોકોને રસ્તો ક્રોસ કરવામાં મદદ મળી રહેશે. સ્કાયવૉકનો માર્ગ તિલક માર્ગ, બહાદુર શાહ જફર માર્ગ, સિકંદરા રોડ અને મથુરા રોડને પ્રગતિ મેદાન તરફ આઈટીઓના ડબલ્યુ પોઈન્ટને જોઈન્ટ કરે છે.

શું છે ખાસ વાત?

સ્કાયવૉકની ખાસ વાત છે કે, સામાન્ય ઓવર બ્રીજ કરતા ખૂબ લાંબો છે અને પહોળો પણ છે. ઉપરાંત સ્કાયવૉક પર ફૂડ સ્ટોલ, પબ્લિક વાયફાય અને પદયાત્રીઓ માટે બેસવાની પણ સગવડ છે. સ્કાયવૉક પ્રગતિ મેદાનથી શરૂ થઈને ચાર જુદી જુદી જગ્યાએ એક્ઝિટ થાય છે.

ક્યાં છે પ્રથમ એક્ઝિટ?

પ્રથમ એક્ઝિટ મથુરા રોડ બસ સ્ટેન્ડ જ્યારે બીજુ એક્ઝિટ મેટ્રોલાઈનથી નીચે થઈને એક લેડી અરવિન કોલેજ પાસે તિલક બ્રીજ મેટ્રો સ્ટેશન પર થાય છે. જ્યારે ત્રીજુ એક્ઝિટ પોઈન્ટમાં બે એક્ઝિટ પોઈન્ટ છે. પહેલુ આર્કેલોજી પાસે સિકંદરા રોડ પર અને બીજો બાળ ગંગાધર તિલક રોડની મૂર્તિ પાસે નીકળે છે. જ્યારે ચોથો એક્ઝિટ બહાદુર શાહ જફર માર્ગ પર હનુમાન મંદિર પાસે ઊતરે છે.

(6:01 pm IST)