મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

ગોવામાં કોંગ્રેસને મોટો ફટકો : બે ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા

પારીકરની તબિયત લથડી ગયા બાદ ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસને ફટકો :કોંગ્રેસના બીજા ધારાસભ્યો પણ ભાજપમાં સામેલ થવા તૈયાર હોવાનો દાવો કરાયો : અમિત શાહે મોટી રાજકીય ચાલ રમી : સભ્યોની સંખ્યાને વધારાઈ

પણજી, તા. ૧૬ : ગોવામાં મુખ્યમંત્રી મનોહર પારીકરની ખરાબ તબિયતના પરિણામ સ્વરુપે શરૂ થયેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીને આજે મોટો ફટકો પડ્યો હતો. થોડાક દિવસ પહેલા ગોવામાં સરકાર બનાવવાના પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીના બે ધારાસભ્યોએ ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ કોંગ્રેસની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વાતચીત કર્યા બાદ આ ધારાસભ્યોએ આ જાહેરાત કરી હતી. એમ્સમાં સારવાર લઇ રહેલા મનોહર પારીકરને રવિવારના દિવસે જ ગોવા લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ છોડવાની જાહેરાત કરનાર એક ધારાસભ્યએ દાવો કર્યો છે કે, બીજા કોંગ્રેસી ધારાસભ્યો પણ તેમના સંપર્કમાં છે. બંને ધારાસભ્યો ભાજપ પ્રમુખ અમિત શાહને મળવા દિલ્હી સ્થિત તેમના આવાસ ઉપર પહોંચ્યા હતા. શાહના આવાસ ઉપર થયેલી બેઠકમાં બંને ધારાસભ્યો ઉપરાંત અવાલા ગોવા ભાજપના અધ્યક્ષ વિનય તેંડુલકર અને મંત્રી વિનાયર રાણે પણ ઉપસ્થિત રહ્યા હતા. શાસક ભાજપ વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બનવા માટે ધારાસભ્યો બનાવવા ઇચ્છુક છે. આમા પારીકરના ઉત્તરાધિકારી બનવા ઇચ્છુક વિશ્વજીત રાણે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં મેડરમાં વિધાનસભા સીટથી ભાજપના તત્કાલિન મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકરને હરાવનાર કોંગ્રેસના ધારાસભ્ય દયાનંદ સોપ્ટે અને સિરોડા વિધાનસભા ક્ષેત્રમાંથી જીતેલા સુભાષ શિરોડકર સોમવારે રાત્રે દિલ્હી માટે રવાના થયા હતા. કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા શ્રીપદ નાયક પણ તેમની સાથે હતા. આ બંને કોંગ્રેસી ધારાસભ્યોથી પહેલા ગોવાના આરોગ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિશ્વજીત રાણે પણ દિલ્હી પહોંચ્યા હતા. સુત્રોના કહેવા મુજબ દયાનંદ સોપ્ટેને ભાજપ કોઇ મોટી જવાબદારી સોંપી શકે છે જ્યારે શિરોડકરને ગોવા પ્રવાસ વિભાગ નિગમમાં જગ્યા મળવાની શક્યતા છે. આ પહેલા ગોવા કોંગ્રેસને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેટલીક સૂચના આપી હતી. કોઇ ખોટા હથકંડા અપનાવીને રાજ્યવિધાનસભાને ભંગ કરવા માટેના પ્રયાસ ન થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. ગોવા કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ ગિરીશે કોવિંદને આ સંદર્ભમાં વાકેફ કરાવ્યા હતા. તેઓએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાના સંદર્ભમાં રાજ્યપાલ મૃદુલા સિંહાને અનેક વખત માહિતી આપી હતી. ભાજપના અધ્યક્ષ વિનય તેંડુલકરે કહ્યું હતું કે, મનોહર પારીકર મુખ્યમંત્રી તરીકે રહેશે. વિધાનસભા ભંગ કરવામાં આવશે નહીં. કોંગ્રેસના નેતાના દાવાને રાણેએ ફગાવી દીધા છે. મુખ્યમંત્રી પારીકર લાંબા સમયથી અસ્વસ્થ છે. જેના કારણે ગોવામાં રાજકીય હલચલ વધી ગઈ છે. પારીકરના ખાનગી આવાસ ઉપર ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબ તેમની સારવાર કરી રહ્યા છે. ગોવાની ૪૦ સભ્યોની વિધાનસભામાં પારીકર સરકારને ૨૩ ધારાસભ્યોનું સમર્થન છે. આમાથી ભાજદપના ૧૪ અને જીએફપી અને મહારાષ્ટ્રવાદી ગૌમાંતક પાર્ટીના ત્રણ ત્રણ ધારાસભ્યો છે. ત્રણ ધારાસભ્યો અપક્ષ પણ છે. ગોવામાં ૧૬ ધારાસભ્યોની સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે છે.

(7:50 pm IST)