મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

શિયાળુ પાકો માટે ફાયદાકારક રહેશે ચોમાસાની મોડી વિદાય

રવિ વાવેતર સારૂ થવાની કેન્દ્રીય કૃષિ-કમિશ્નરને આશા

નવી દિલ્હી, તા. ૧૬ :. દેશમાં ચોમાસાની મોડી વિદાય શિયાળુ પાકો માટે ફાયદાકારક સાબિત થાય એવી સંભાવના છે. દેશમાં રાજસ્થાનમાં કેટલાક વિસ્તારોમાં શિયાળુ પાકોનું વાવેતર પણ શરૂ થઈ ચૂકયું છે અને મોડી વિદાય લાભકારક રહેશે એમ કેન્દ્રીય કૃષિ કમિશ્નર એસ.કે.મલ્હોત્રાએ જણાવ્યું હતું. દેશમાં ઓકટોબર મહિનાથી જ ઘઉં, જવ, ચણા, મસુર, રાયડો સહિતના શિયાળુ પાકોનું વાવેતર શરૂ થઈ જાય છે જે છેક નવેમ્બર મહિના સુધી ચાલુ રહે છે.

મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું હતું કે 'જમીનમાં ભેજનું પ્રમાણ કેટલુ રહે છે? એના પર સમગ્ર પાકોના ઉતારાનો આધાર રહેલો છે. વરસાદ હાલ અમુક વિસ્તારોમાં પડયો હોવાથી જમીનમાં ભેજનું પ્રમાણ સચવાઈ રહે છે. કેટલાક વિસ્તારોમાં વાવેતર પણ શરૂ થઈ ગયું છે. ચાલુ વર્ષે ચોમાસાની વિદાય દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય રીતે ૧ સપ્ટેમ્બરે થતી હોય છે એને બદલે એક મહિનો લેટ થઈ હતી જેનો ફાયદો રવિ પાકોને થઈ રહ્યો છે.'

રાજસ્થાનમાં શિયાળુ પાકોના વાવેતર માટે હાલ અનુકુળ સમય છે અને જમીનમાં ભેજ પણ સારો છે, જેને પગલે રાયડાનું વાવેતર એકાદ સપ્તાહમાં જ શરૂ થઈ જાય એવી સંભાવના છે. દેશમાં શિયાળુ પાકોનું વાવેતર સરેરાશ ૭૦૦થી ૭૨૦ લાખ હેકટર જમીનમાં થાય છે. ઘઉંના વાવેતર માટે પણ ખેડૂતો તૈયારી કરી રહ્યા છે અને આગામી થોડા દિવસમાં વાવેતર શરૂ થઈ જશે. દેશમાં ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન ૧૦૦૦ લાખ ટન કરવાનો લક્ષ્યાંક સરકારે રાખ્યો છે.(૨-૪)

(11:39 am IST)