મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

પેમેન્ટની શરતોની સમીક્ષા કરવા મોદીએ અપીલ કરી

તેલ મંત્રીઓ અને સીઈઓ સાથે મોદીની બેઠકઃ ડોલર સામે રૂપિયાની ઘટતી જતી કિંમત વચ્ચે બેઠક કરી

નવીદિલ્હી, તા. ૧૫: ડોલર સામે રૂપિયાની નબળી થતી સ્થિતિ વચ્ચે રાહત આપવાના ઇરાદાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વૈશ્વિક તેલ ઉત્પાદકોને ચુકવણી સાથે જોડાયેલી શરતોની સમીક્ષા કરવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાને નવી દિલ્હીમાં તેલ ઉત્પાદક દેશોના તેલ મંત્રીઓ અને ઓઇલ કંપનીઓના સીઈઓની સાથેરાઉન્ડ ટેબલ મિટિંગ યોજી હતી.

રૂપિયાને રાહત આપવા માટે મોદીએ પેમેન્ટોની શરતોની સમીક્ષા કરવા અપીલ કરી હતી. સરકાર તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોદીએ પેમેન્ટ ટર્મની સમીક્ષાની અપીલ કરી છે. આવી સ્થિતિમાં રૂપિયાને રાહત મળી શકે છે. ભારત આઈલની જરૂરિયાત પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. ક્રૂડની વધતી જતી કિંમતો અને રૂપિયાના અવમુલ્યનના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે જેથી રૂપિયા ઉપર દબાણ આવી રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે, બજારમાં સ્થિરતા ખુબ જરૂરી છે. અન્ય બજારોની જેમ જ તેલ બજારમાં ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે મજબૂત ભાગીદારીની તરફેણ કરી હતી. બેઠકમાં મોદીએ ક્રૂડની ઉંચી કિંમતોને લઇને ભારત જેવા મોટા તેલ ઉત્પાદક દેશોની ચિંતા વધી હોવાની વાત કરી હતી અને કહ્યં હતું કે, રિટેલ પેટ્રોલ અને ડીઝલ તથા એલપીજીની કિંમતો વધી રહી છે. અગાઉની બેઠકોમાં તેમની તરફથી કરવામાં આવેલી ભલામણોને લાગૂ કરવા છતાં ભારતમાં તેલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન સાથે જોડાયેલા રોકાણ કેમ થઇ રહ્યા નથી. કોન્ફરન્સમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતં કે, તેલની કિંમતો વધવાથી ભારતની ચિંતા વધી ગઈ છે ક્રૂડની કિંમત ડોલરની દ્રષ્ટિએ છેલ્લા એક વર્ષના ગાળામાં ૫૦ ટકા સુધી વધી ચુકી છે.

(12:00 am IST)