મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

દિવાળીના વેકેશનમાં બનારસ-વારાણસી ફરવા જવાનો પ્લાન બનાવોઃ ગંગા ઘાટ, સંધ્યા આરતી, નૌકાવિહાર માણો

બનારસ-વારાણસીને દુનિયાનું સૌથી જૂનુ સિટી માનવામાં આવે છે. બોલિવૂડની માત્ર ફિલ્મો જ નહીં અનેક ગીતમાં આ શહેરના અનેક લોકેશન ફિલ્માવવામાં આવ્યા છે. વારાણસીના સાકડી શેરીઓ, ગંગા ઘાટ, સંઘ્યા આરતી, સ્પેશ્ય ઉકાળેલી ચાય, ચાટ, ચાટ પુરી, નૌકાવિહાર અને બનારસી પાન વિશે તો દરેકે સાંભળ્યું જ હશે.

શાસ્ત્રો અનુસાર સૌથી પવિત્ર શહેર

હિન્દુ માન્યતાઓ અનુસાર બનારસને સૌથી પવિત્ર શહેર માનવામાં છે, પરિજનોના અવસાન બાદ અનેક પરિવાર અહીં ક્રિયાકર્મ કરવા માટે આવે છે. દિવાળી દરમિયાન કાશી ઘાટને અનેક રીતે સજાવવામાં આવે છે. ખાસ કરીને સ્વસ્તિક અને ઓમ અંકિત કરવામાં આવે છે જેમાં લાઈટિંગ અને દીવાઓ મૂકવામાં આવે છે. રોશનીથી સજ્જ આ ઘાટ ખુબ સુંદર દેખાય છે. આ ઉપરાંત ઘાટ પર રંગોળી પણ કરવામાં આવે છે.

દિવાળીની રોશની

કાશીમાં દિવાળી ખૂબ ધામધૂમથી અને આધ્યાત્મિક રીતે મનાવવામાં આવે છે. આ દિવસે ખાસ પ્રકારની આરતી કરવામાં આવે છે. વારાણસી ફરવા માટે ઓક્ટોબર મહિનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. છેક દેવ દિવાળી સુધી અહી વિવિધ અવસરની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર શહેર જ નહીં બંને તરફના ઘાટને દીવાઓથી સજાવવામાં આવે છે.

વિશેષ પૂજા

દિવાળીના દિવોસમાં બનારસના નાના-મોટા મંદિરોમાં ખાસ પ્રકારની પૂજા કરવામાં આવે છે. બનારસની આસપાસ સારનાથ, ગયા અને લખનઉ જેવા શહેરોમાં પણ ફરવાની મોજ માણી શકાય છે.

ક્રુઝની મજા

વારાણસીમાં કાશી ઘાટ પરથી નાની એવી ક્રુઝની પણ મજા માણી શકાય છે. જેને અલકનંદા ક્રુઝ પણ કહેવાય છે. આ ક્રુઝમાં 110 યાત્રીઓ મુસાફરી કરી શકે છે. આ ક્રુઝમાં બેસીને 84 ઘાટની મુલાકાત લઈ શકાય છે. આ ક્રુઝ અસ્સી ઘાટથી શ્રદ્ધાળુઓને લઈને રવાના થાય છે અને રામઘાટથી પરત ફરે છે.

કુશ્તી અખાડા

બનારસના અખાડાની એક વખત મુલાકાત લેવા જેવી છે. સુલતાન અને દંગલ જેવા ફિલ્મી દ્રશ્યો અહીં લાઈવ જોવા મળશે. આ ઉપરાંત અહીંની માટીને પવિત્ર માનવામાં આવે છે.

ચુનાર કિલો

બનારસથી 37 કિમી દૂર આ ચુનાર કિલો આવેલો છે. આ કિલ્લાની બંને તરફથી ગંગા વહે છે. ફોટોગ્રાફી કરવા માટે આ જગ્યા બેસ્ટ છે.

(12:00 am IST)