મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

કોઈ અમિત શાહ, સુલ્તાન અને સમ્રાટ વચન ન તોડી શકે

હિન્દી પર સંગ્રામ વચ્ચે કમલ હસનના પ્રહાર : એક રાષ્ટ્ર, એક ભાષાના અમિત શાહના નિવેદનને લઇને અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસનના આકરા પ્રહારો

ચેન્નાઈ,તા.૧૬ : અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસને આજે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એક દેશ એક ભાષાને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિ સામે કમલ હસને ચેતવણી આપી હતી. એક વિડિયો જારી કરીને કમલ હસને અપ્રત્યક્ષરીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, ભારત ૧૯૫૦માં અનેકતામાં એકતાના વચન સાથે સ્વતંત્ર થયું હતું. હવે કોઇપણ શાહ, સુલ્તાન અથવા તો સમ્રાટ આનાથી ઇન્કાર કરી શકે નહીં. અમિત શાહે હાલમાં જ હિન્દી દિવસના પ્રસંગે એક રાષ્ટ્ર, એક ભાષાની તરફેણ કરી હતી. વિડિયોમાં કલમ હસને કહ્યું છે કે, તેઓ તમામ ભાષાઓનું તેઓ સન્માન કરે છે પરંતુ તેમની માતૃભાષા હંમેશા તમિળ રહેશે. મક્કલ નિધિ મૈય્યમના અધ્યક્ષે આજે કહ્યું હતું કે, આ વખતે ફરી એકવાર ભાષાને લઇને આંદોલન થશે. જલ્લીકુટ્ટી આંદોલન કરતા પણ મોટુ આંદોલન થશે. તેમણે કહ્યું હતું કે, ભારત અથવા તમિળનાડુને આ પ્રકારના જંગની કોઇ જરૂર દેખાતી નથી. જલીકુટ્ટી માત્ર વિરોધ પ્રદર્શનના ભાગરુપે આંદોલન હતું. અમારી ભાષા માટે જંગ આનાથી અનેકગણા વધુ તીવ્ર રહેશે. રાષ્ટ્રગીત પણ બાંગ્લા ભાષામાં હોય છે. તેમની માતૃભાષામાં નહીં જે આ બાબતના પ્રતિક સમાન છે કે, જ્યારે અમે ગાઇએ છીએ ત્યારે તમામ ભાષાને મહત્વ આપે છે.

              કમલે કહ્યું હતું કે, ભારત એક સંઘ છે જ્યાં તમામ લોકો સોહાર્દ સાથે મળીને રહે છે. અમને બળપૂર્વક કોઇ ચીજ આપી શકાય નહીં. હિન્દી દિવસના અવસર પર અમિત શાહે એક દેશ એક ભાષાના સિદ્ધાંત ઉપર વાત કરી હતી. તેને લઇને દક્ષિણ ભારતના રાજકીય નેતાઓ વિરોધ પ્રદર્શન ઉપર ઉતરી આવ્યા હતા. તમિળનાડુની મુખ્ય પાર્ટી ડીએમકેના નેતા સ્ટાલિને કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેઓ પોતાની નીતિઓમાં તમિળનાડુની સાથે ભેદભાવ કરે છે. અહીંના લોકો ઉપર બળજબરીપૂર્વક હિન્દી ભાષા લાગૂ કરવામાં આવી રહી છે. સ્ટાલિને આ મુદ્દા ઉપર વિપક્ષી દળોને એક સાથે આવવા અને કેન્દ્ર સરકારનો જોરદારરીતે વિરોધ કરવા માટે કહ્યું હતું. બીજી બાજુ કેન્દ્રીયમંત્રી બીવી સદાનંદ ગૌડાએ કહ્યું છે કે, હિન્દુ તમામને એક કરનાર ભાષા છે પરંતુ આનો મતલબ એ નથી કે તે દેશની ક્ષેત્રીય ભાષાઓને રોકી શકે છે. ત્રણ ભાષાઓની ફોર્મ્યુલા અમને તમામને માન્ય છે. વડાપ્રધાને પણ ગૃહમાં કહ્યું છે કે, ક્ષેત્રિય ભાષાઓનું સન્માન કરાશે.

(7:47 pm IST)